રાજકોટ,તા.૧

ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી રૂ. ૨૦૦૦૦ ફિક્સ કમિશનની માગ કરી રહ્યા છે. તાજેતરમાં સરકારે આ માગ સ્વીકારી પણ હતી. જાેકે, બાદમાં સરકારે અચાનક ૩૦૦ કરતા ઓછા કાર્ડ હોય તે વેપારીઓને જ કમિશન આપવાનું જાહેર કર્યું છે. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. દિવાળીનાં તહેવારો પૂર્વે જ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અસહકાર આંદોલન શરૂ કર્યું છે. આજથી તમામ સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા રાશનકાર્ડ ધરાવતા લાખો ગરીબોની દિવાળી બગડે તેવી શક્યતા છે.

આ અંગે રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં ૭૦૦ દુકાનદાર પાસે ૨.૮૯ લાખ ગ્રાહકો અને ગુજરાતમાં ૧૭ હજાર વેપારી પાસે ૭૨ લાખ જેટલા ગ્રાહક છે. તાજેતરમાં રાજ્ય સરકારે રેશનિંગનાં વેપારીઓને માસિક રૂ.૨૦ હજાર કમિશન આપવાની જાહેરાત કર્યા બાદ તુરંત જ રાજ્યનાં પૂરવઠા વિભાગનાં અધિકારીઓએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં માત્ર ૩૦૦ કે તેનાથી ઓછા કાર્ડ ધરાવતા વેપારીઓને જ રૂ. ૨૦,૦૦૦ કમિશન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને ૩૫૦ કે ૪૦૦ ગ્રાહક ધરાવતા વેપારીઓને ૧૨-૧૫ હજાર કમિશન મળી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ ર્નિણયને લઈ જેની પાસે ૨૫-૫૦ ગ્રાહક હોય તેને તો રૂ. ૨૦,૦૦૦ મળે છે. પણ જેની પાસે ૩૦૧થી ૪૦૦ સુધીના ગ્રાહકો હોય તેવા વેપારીઓને માત્ર ૧૨-૧૫ હજાર રૂપિયા કમિશન મળે છે. આ બાબત ખરેખર કોઈ પણ રીતે યોગ્ય નથી. આ મામલે અમારા એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે પણ વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. દશેરા બાદ રાજ્ય સરકાર દ્વારા ફરી બેઠક યોજવાનું આશ્વાસન અપાયું હતું. પરંતુ હજુ સુધી આ બેઠક યોજાઈ નથી. જેને લઈને આજથી ગુજરાતભરના વેપારીઓ પરમીટ તથા ચલણ જનરેટ નહીં કરે, જથ્થો નહીં ઊતારે તેમજ વિતરણ નહીં કરીને સરકાર સામે અસહકારની લડત ચલાવશે. આ લડત અચોક્કસ મુદ્દત સુધી ચાલનાર હોય ગરીબોને થનાર નુકસાન માટે સરકાર જવાબદાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ અંગે લાભાર્થી રમેશભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો હોવાથી આજે અનાજ લેવા માટે આવ્યો હતો. પરંતુ આજથી હડતાળ શરૂ થતાં દુકાનો બંધ હોવાને કારણે અનાજ મળી શકે તેમ નથી. અમારા પરિવારમાં ૬ સભ્ય છે. બીજી તરફ દિવાળીના તહેવારમાં બહારથી મહેમાન પણ આવતા હોય છે. આ સમયે જાે તાત્કાલિક અનાજ અને તેલ સહિતની વસ્તુ નહીં મળે તો ફરજિયાત ઊંચી કિંમતે અનાજ-તેલ ખરીદવાની ફરજ પડે તેમ છે.