ગાંધીનગર-

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં ગુજરાતને સારું એવું પ્રતિનિધિત્વ મળ્યું છે. જો કે ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાની ટીમમાં 14 વર્ષ બાદ ગુજરાતના યુવા નેતાઓની બાદબાકી થયેલી જોવા મળી છે. કારણ કે, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યાએ તેમની ટીમમાં ગુજરાતનાં એક પણ યુવા નેતાનો સમાવેશ કર્યો નથી. જો કે સં ખાવા માટે ગુજરાતનાં વરુણ ઝવેરીને એક કમિટીમાં સ્થાન અપાયું છે. જેના કારણે ગુજરાત ભાજપમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા દ્વારા તેમની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના એક સદસ્ય કે યુવા નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે સામાન્ય રીતે રાષ્ટ્રીય યુવા મોરચાની ટીમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ એક હોદ્દેદારને સ્થાન મળતું રહ્યું છે. જો કે, વર્ષ 2007 પછી એટલે કે 14 વર્ષ પછી પહેલી વખત ગુજરાત ભાજપ યુવા મોરચાના એક પણ હોદ્દેદાર કે આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ગુજરાત યુવા મોરચાની અત્યાર સુધીની ટીમો સૌથી વધુ સક્રિય અને મજબૂત ટીમ રહી છે. જેમાંથી પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરનું નેતૃત્વ ઉભું થયેલું છે. ભાજપમાં સંગઠનની બાબતમાં ગુજરાત ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વખતે ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના એક પણ સભ્યનો સમાવેશ ન કરીને ગુજરાતની જે અવગણના કરવામાં આવી છે, તે બાબત ગુજરાત ભાજપમાં ચર્ચાનો વિષય બની છે. આ વખતે ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના કોઈ પણ એક યુવા નેતાને કે હોદ્દેદારને સ્થાન મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી. કારણ કે, અત્યાર સુધીમાં રાષ્ટ્રીય ભાજપના અન્ય મોરચાઓમાં ગુજરાતના હોદ્દેદારોને મહત્વની જવાબદારી સોંપવામાં આવેલી છે. તેમજ તાજેતરમાં અને સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ગુજરાતનાં મંત્રીઓનો વધારો થયો છે.

ભૂતકાળમાં વર્ષ 2007 માં યુવા નેતા અમિત ઠાકર ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા, ત્યાર બાદ સતત દરેક ટર્મમાં ગુજરાતના કોઈને કોઈ યુવા નેતા અને આગેવાનોને સ્થાન મળતું રહ્યું છે. જેમાં ધ્વનિ શર્મા, સુરેશ વઘાસિયા અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. છેલ્લી બે ટર્મથી સુરતના ઉધનાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી રાષ્ટ્રીય ટીમમાં હતા. જેમાં તેમણે એક ટર્મ રાષ્ટ્રીય મહામંત્રી અને એક ટર્મ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી. જો કે આ વર્ષે વયમર્યાદાના કારણે યુવા મોરચામાં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે.

આ વખતે ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ તરીકે એક માત્ર વરુણ ઝવેરીનો સમાવેશ થયો છે, પરંતુ તેમને કોઈ હોદ્દેદાર નથી બનાવાયા પરંતુ તેમને યુવા મોરચામાં પોલિસી અને રિસર્ચની જવાબદારી સોંપવામાં આવી છે. જે સીધી રીતે કોઈ રાજકીય રીતે મહત્વનો હોદ્દો ગણાતો નથી. જેના કારણે આ ચર્ચા ઉઠી છે કે આ વખતે ગુજરાત ભાજપ યુવા મોરચાના કોઈ હોદ્દેદારને રાષ્ટ્રીય ટીમમાં કેમ જગ્યા ન મળી. શું ગુજરાત ભાજપ યુવા મોરચાને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય ચહેરો ન મળ્યો કે પછી અન્ય કોઈ પક્ષપક્ષીની બાબત કારણભૂત છે? યુવા મોરચાની જૂની ટીમમાંથી ઘણાં ચહેરાઓને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળવાની આશા હતી, જેના પર હાલ તો પાણી ફરી વળ્યું છે અને સાથે જ આ યુવા નેતાઓના રાજકીય ભવિષ્ય ઉપર પણ બ્રેક લાગી છે.