આણંદ : આણંદના બોરસદ તાલુકાના ડભાસી ગામે ચૂંટણી મતદાન સામે બંડ પોકાર્યું હતું. ગ્રામજનોએ પોતાની જૂની માગ અને ૬ ફેબ્રુઆરીએ થયેલાં પોલીસ દમનને લઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ડભાસી ગામના આ ર્નિણયને લઈ સરકારી તંત્ર અને રાજકીય નેતાઓમાં હડકંપ મચ્યો હતો. આજે મતદાનના દિવસે આયોજનપૂર્વક બહિષ્કાર જાહેર થતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, બોરસદના ડભાસી ગામમાં ૬ હજાર ઉપરાંતની વસતિ છે. ગામમાંથી ૩ હજાર ઉપરાંતની વસતિ સામેની સાઇડ ઉત્તર દિશામાં રહે છે. હાઇવે બનતાં તેઓને ગામમાં અવરજવર કરવા માટે કોઇ રસ્તો ન હોવાથી પારંવાર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડનું કામ શરૂ થાય તે પહેલાં ડભાસી પાટીયા પાસે આ માર્ગ નીચે ગરનાળુ કે અંડરપાસ મૂકીને અવરજવરનો રસ્તો આપવા ગ્રામજનોએ માગણી કરી હતી. ડભાસીના ગ્રામજનોએ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ અને સાંસદ મિતેશ પટેલને તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અધિકારીઓ કે રાજકારણીઓએ આ પ્રશ્નની ગંભીરતા ન સમજતાં તેનો યોગ્ય નિકાલ ન કરતાં આ મામલો વધુ બિચક્યો હતો.

ગત ૬ ફેબ્રુઆરીએ ન્યાયિક લડત ને લઈ ડભાસી ગ્રામજનોએ હાઈવે ઉપર ચક્કાજામ કરતાં પોલીસ તંત્ર દોડ્યું હતું. ગ્રામજનોએ કાયદો હાથમાં લેતાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં આઠ પોલીસ જવાનો ઘાયલ થયાં હતાં. પોલીસે પણ ગામમાં જઈ પ્રજાજનો સાથે બળજબરી કરી મારપીટ કરી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોના બાઈક જપ્ત કર્યા હતા અને ગાડીઓના કાચ તોડી નાખ્યાંના આરોપ પણ લાગ્યાં હતાં. આ ઉપરાંત ગામના ૮૫થી વધુ નાગરિકોને પોલીસ હિરાસતમાં લીધા હતા. ઓ રીસમાં ગ્રામજનોએ આજે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને બપોરે બે વાગ્યા સુધી એક પણ મત પડ્યો ન હતો.