જામનગર, જામનગરના ધ્રોલ તાલુકા પંચાયત કચેરીની જીલ્લા પંચાયત પ્રમુખે અચાનક જ મુલાકાત લેતા મોટા ભાગના કર્મચારીઓ ગેરહાજર હતા જેમાં ફરજ પર ૩૧ કર્મચારીઓના સ્ટાફ સામે માત્ર ૫ કર્મચારીની હાજરી જ રજીસ્ટરમાં હોવાથી તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓનો ભાંડો ફુટયો હતો. આકસ્મીક ચેકીંગના પગલે તાલુકા પંચાયતના કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

આ કર્મીઓ હાજર તો વધુ હતા પણ રજીસ્ટરમાં હાજરી પુરી ન હોવાથી ગેરહાજર ગણાયા હતા. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગર જિ.પં. પ્રમુખ ધરમશી ચનીયારાને ધણા સમયથી ધ્રોલ તાલુકા પંચાયતના ગુટલીબાજ કર્મચારીઓ, તલાટી મંત્રીઓ વગેરેની પ્રજાના કામ બાબતે વ્યાપક ફરીયાદો મળી હતી જે મુદ્દે રજુઆતના પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે જિ.પં. પ્રમુખે આકસ્મીક ચેકીંગ કર્યું હતું.

તાલુકા પંચાયતના કર્મચારીઓને ઉંઘતા ઝડપી લઈને તાલુકા પંચાયતના અણધડ વહીવટની પોલ ખોલી નાખી હતી. તાકીદે આવા કર્મચારીઓને કારણ દર્શક નોટીશો આપી ખુલાશો પુછવા ડેપ્યુટી ડીડીઓને સુચના પણ આપી હોવાનુ સામે આવ્યુ છે.સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કર્મચારીઓ હાજર તો વધુ હતા પરંતુ રજીસ્ટરમાં હાજરી પુરી ન હતી, આથી ગેરહાજર ગણાયા હતા. ટીડીઓ સરકારી કામ બાબતે બહારગા હોય ત્યારે નાયબ તાલુકા વિકાસ અધિકારી સુચના આપી તાલુકા પંચાયતના અધિકારીઓ સામે પ્રમુખએ નારાજગી દર્શાવીને આવુ નહી ચલાવી લેવાય તેવી આકરા શબ્દોમાં જાટકણી કાઢી તપાસના આદેશોની સુચના આપતા કર્મચારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જંયતીભાઈ કથગરા પણ આ મામલે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયરાએ ચર્ચા કરીને કર્મચારીઓ ઉપર લગામ રાખીને નિયમીત પ્રજાના કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સુચના આપી હતી. આ ચેકીંગ વેળા આગેવાનો અને તાલુકા પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા.