દિલ્હી-

સુપ્રીમ કોર્ટે એક NGOની અરજીના આધારે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ્સ પાસે જવાબ માંગ્યો છે કે, ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે રદ થયેલી ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ ૬૬એ હેઠળ હજુ લોકો પર ગુનો કેમ નોંધવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે નોટિસ ફટકારી છે.

જસ્ટિસ આર એફ નરીમાન અને બી આર ગવાઇની બેન્ચે જણાવ્યું હતું કે, પોલિસ રાજ્યનો વિષય હોવાથી આ કેસમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવાશે. 'આ મુદ્દો પોલિસ અને ન્યાયતંત્રને લાગુ પડતો હોવાથી અમે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ હાઇકોર્ટ્સના રજિસ્ટ્રાર જનરલને નોટિસ જારી કરી રહ્યા છીએ.' સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને ચાર સપ્તાહમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. કેસની સુનાવણીમાં NGO (પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ) વતી હાજર થયેલા સિનિયર એડવોકેટ સંજય પરીખે જણાવ્યું હતું કે, આ બાબતના બે પાસાં છે, જ્યાં હજુ આવા કેસ ચાલે છે: પોલિસ અને ન્યાયતંત્ર. બેન્ચે જણાવ્યું હતું કે, તે તમામ હાઇકોર્ટ્સને નોટિસ જારી કરશે. સુપ્રીમે કેસની આગામી સુનાવણી માટે ચાર સપ્તાહ પછીનો સમય નિર્ધારિત કર્યો છે.