વડોદરા, તા.૩

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ન્યાયમંદિરની ઐતિહાસિક ઈમારતને સુપરત કર્યા બાદ ન્યાયમંદિરની ઐતિહાસિક ઈમારત સાથે આસપાસના સમગ્ર હેરિટેજ વિસ્તારના સુનિયોજિત વિકાસની વિચારણા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે મ્યુનિ. કમિશનરે ન્યાયમંદિર વિસ્તારની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. વડોદરા મહાનગરપાલિકાને ઐતિહાસિક ધરોહર સમાન ન્યાયમંદિરની સોંપણી કરવામાં આવી હતી. આજરોજ વડોદરા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત લીધી હતી અને જરૂરી સુવિધાઓ બાબતે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. મ્યુનિ. કમિશનરે આ ઈમારતની સંપૂર્ણ જાળવણી માટે ર૪ કલાક સિકયુરિટી ગાર્ડ, સમગ્ર ઈમારતની રોજેરોજની સફાઈ અને તેના મેઈન્ટેનન્સ, ન્યાયમંદિરને ફરતે યોગ્ય બેરિકેટિંગ કરી મિલકતની જાળવણી કરવી. ઈન્વેન્ટરીનો રેકોર્ડ અને તેની જાળવણી કરવી, સમગ્ર ન્યાયમંદિર ઈમારતની અંદર અને બહારની બાજુની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી તેના રેકર્ડની સાચવણી તેમજ ન્યાયમંદિરની મુલાકાતે આવનાર મુલાકાતીઓની રોજેરોજની સંખ્યાની માહિતી તેમજ તેઓના માટે વિઝિટર બુક ફરજિયાત રાખવા સહિતની અન્ય બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.