અમદાવાદ-

ગેંગસ્ટર રવિ પૂજારીએ કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી પડાવી હતી. તેની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી અને હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર હતો, તેથી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ રવિ પૂજારીની કસ્ટડી લેવા માટે મહારાષ્ટ્ર પહોંચી છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી માગવામાં આવશે. 2017માં બોરસદમાં કોર્પોરેટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે ગુનામાં રવિ પૂજારી ફરાર હતો. આ કેસને મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિ પૂજારીની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે. રવિ પૂજારી સામે દેશભરમાં 60થી વધારે ગુનાઓ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં નોંધાયેલ કેસોમાં 2017ના કેસમાં અપક્ષ કાઉન્સીલર ઉપર ફાયરિંગનો કેસ છે. ત્યારે હારેલા ઉમેદવારના પુત્ર ચંદ્રેશ પટેલે સોપારી આપી હતી. આ મામલે અગાઉ પોલીસે ત્રણ શૂટરોને ઝડપી પાડ્યાં હતાં, પરંતુ હવે આ મામલે રવિ પૂજારીની ધરપકડ થયા બાદ તેને સ્થાનિક લેવલે સાથીદારોનો ખુલાસો થઈ શકે છે. રવિ પૂજારીને લેવા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે અને ત્યાં કાગળ કામગીરી કરીને તેને બેંગ્લોરથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂકી છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જ્યારે આજે રાત્રે રવિ પૂજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે.