22, ઓક્ટોબર 2020
મુંબઇ
ઋતિક રોશનના માતા પિંકી રોશને હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત વિશે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે અભિનેતાની તસવીર સાથે લખ્યું છે કે 'દરેક જણ સચ્ચાઈ જાણવા માંગે છે, પરંતુ કોઈ પણ ઈમાનદાર થવા માંગતુ નથી.' ઋતિકના માતા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ હોય છે. તેમણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘#prayersarepowerful # cosispowerful' સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પણ દિવંગત અભિનેતા અને તેના ભાઈને ન્યાય અપાવવા માટે દુનિયાભરમાં અભિયાન ચલાવે છે. આખી દુનિયામાં અભિનેતાના કરોડો પ્રશંસકો તેને ન્યાય અપાવવા માટે શરૂ થયેલા તમામ આંદોલનોનું સમર્થન કરે છે.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના મુંબઈ ખાતેના ઘરે રહસ્યમય સ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં. હાલ સીબીઆઈ, ઈડી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંતની હત્યા મામલે તપાસ કરી રહ્યા છે.
દિવંગત અભિનેતા છેલ્લે દિલ બેચારા ફિલ્મમાં જોવા મળ્યા હતાં. જેમાં તેની સાથે અભિનેત્રી તરીકે સંજના સાંધીએ કામ કર્યું હતું. મુકેશ છાબડાની આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ હતી જેને દર્શકોએ ખુબ વધાવી હતી. આ ઉપરાંત ગત વર્ષે આવેલી ફિલ્મ છીછોરે પણ ખુબ વખણાઈ હતી. તેમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતી.