છોટાઉદેપુર,તા.૮

ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીના પાકનું મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જેતપુરપાવીના હિરપરી ગામના ખેડૂત વિજય રાઠવાએ નાગલીના પાકનું છોટાઉદેપુર જિલ્લાની આબોહવા માફક આવે છે કે કેમ તે બાબતનું પરીક્ષણ કરવા નાગલીનું બિયારણ લાવી ૫૦૦ ગ્રામ બિયારણના ધરુનું વાવેતર કરી ડાંગરની રોપણી કરે તે જ રીતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વગર વાવેતર કરતાં જિલ્લાની આબોહવા માફક આવતાં હવે છોટાઉદેપુર જિલ્લાના ઘણા ખેડૂતો આવતા વર્ષથી નાગલીની ખેતી કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે.

આમ તો વર્ષો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પણ કોદરી ( હામેલ ) બાવટો ચેનો, જુવાર જેવા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરાતું હતું, પરંતુ સમય જતાં સુધારેલા હાઇબ્રિડ બિયારણ બજારમાં આવતાં વર્ષો જૂના નાગલી, બંટી, બાવટો, કોદરી જેવા તૃણ ધાન્યના પાકો લુપ્ત થયાં છે. ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને પંચમહાલ જિલ્લામાં થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ હલકા તૃણ ધાન્ય પાકોના ખોરાકથી હાડકાં ભાંગવાનું જાેખમ પણ ઓછું થાય છે. જે લોકોને દૂધની એલર્જિ છે તેમના માટે નાગલી એક પૂરક ખોરાક છે તેમ માનવામાં આવે છે.

નાગલીનાં દાણામાં રેસાનું પ્રમાણ (૩.૬ ગ્રામ/૧૦૦ ગ્રામ દાણા) સારું છે. નાગલીનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડી ઈન્સ્યુલીન કાર્યક્ષમતા વધારે છે. આમ લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે. ટૂંકમાં નાગલી એ ડાયાબિટીસ અને મેદસ્વીતાવાળા માટે આર્શીવાદ સમાન છે.