વડોદરા શહેરમાં અગાઉ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલાજ સ્મશાનોને કોવિદ-૧૯ના મૃતકોને અગ્નિદાહ દેવાને માટે મંજુર કરાયા હતા.જેથી એનું સંક્રમણ વધુ ફેલાય નહિ.પરંતુ દિવસે દિવસે સ્થિતિ વધુ વિકટ બનતા અને મૃતકોની સંખ્યામાં અકલ્પનિય વધારો થતા વડોદરા શહેરમાં આવેલા અને આસપાસના તમામ સ્મશાનોમાં કોરોનાના મૃતકોને અગ્નિદાહ આપવાને માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા.જેને લઈને આવા સ્મશાનોના આસપાસના વિસ્તારોમાં કોરોનાના મૃતકોના અગ્નિદાહ સામે સ્થાનિકોનો વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. વાસણા રોડના ભાયલી નજીકના સ્મશાનથી શરુ થયેલો આ વિરોધ બાદમાં અનેક વિસ્તારોમાં જાેવા મળ્યો હતો. ચેલા કેટલાક દિવસોમાં દંતેશ્વર, માણેજા,ઉંડેરા બાદ હવે મકરપુરા મુક્તિધામમાં કોવિદ બોડીના અગ્નિદાહનો વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિક રહીશોએ કોરોનાના મૃતકને લવાતા ઉગ્ર વિરોધ કર્યો હતો.

શહેરના ૪૫ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં ચકચાર

વડોદરા ઃકોરોનાની સ્થિતિ શહેરમાં કાબૂબ બહાર જઈ રહી છે જેમાં ખાનગી હોસ્પિટલો ફૂલ છે. બેડ માટે વેઈટિંગ છે, ટેસ્ટ માટે પણ લેબોરેટરીઓમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. અનેક સરકારી કચેરીઓમાં કર્મચારીઓ-અધિકારીઓ પોઝિટિવ આવતાં પાંખી હાજરી જાેવા મળી રહી છે. ત્યારે હવે કોરોનાએ પોલીસ ખાતાને પણ ભરડામાં લઈ લીધું છે. જાેતજાેતામાં ૪પ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, રાવપુરા, બાપોદ, પાણીગેટ, વારસિયા, વાડી, હરણી, ગોત્રી, માંજલપુર, સયાજીગંજ, જે.પી.રોડ પોલીસ, લક્ષ્મીપુરા, જવાહરનગર, ગોરવા અને ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમિત થતાં પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રાત્રિ કરફયૂના અમલને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઘણા સમયથી કરફયૂ ભંગના જાહેરનામા ભંગના કેસો નોંધાતા ન હતા. કોરોનાના ફેલાવામાં આ પણ એક કારણ હોવાનું બહાર આવ્યા બાદ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ મહાનગરોના પોલીસ કમિશનરો અને દરેક જિલ્લાના પોલીસવડાઓને આ અંગે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપયો હતો. જાે કે, કોરોનાનો ફેલાવો જાે આ ગતિએ ચાલુ રહેશે તો પોલીસ કર્મચારીઓની પણ અછત વર્તાશે એવી પરિસ્થિતિ ઊભી થશે.

શહેરમાં કરફયૂ ભંગના

૫૬ ગુનાઓ નોંધાયા

વડોદરા. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ સફાળી જાગેલી શહેર પોલીસે લાંબા સમય બાદ જાહેરનામા ભંગના કેસો કરવાનું શરૂ કર્યું છે. વિતેલા છેલ્લા ર૪ કલાકમાં રવિવારે જ શહેરના જુદા જુદા પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાં ૫૬ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસની સત્તાવાર અખબારીયાદીમાં જણાવાયું છે. જાે કે, તેમ છતાં રાત્રિ દરમિયાન વાહનોની ચહલપહલ જાેવા મળી રહી છે.

માસ્ક વગરનો દંડ ભરવા ઈન્કાર કરી ઝપાઝપી કરતાં બાપોદ પોલીસે ગુનો નોંધ્યો

વડોદરા ઃ રવિવારે બપોરે આજવા ચોકડી બ્રિજની નીચે બાપોદ પોલીસ મથકના જવાન જિતેન્દ્રસિંહ પોતાની ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન પોતાની કાર લઈને શહેરમાં પ્રવેશતાં પાદરા તાલુકાના વડુ ગામના સરફરાજ ઈલિયાસભાઈ દિવાને માસક પહેર્યું નહીં હોવાથી પોલીસે અટકાવ્યો હતો અને રૂા.૧૦૦૦નો દંડ ભરવા માટે જણાવી પાવતીબુક કાઢી હતી. એ સમયે સરફરાજ દિવાન ઉશ્કેરાઈ ગયો હતો અને માસ્ક વગરનો દંડ ભરવાનો કાયદો નીકળી ગયો છે, તમે ખોટી રીતે નાગરિકોને હેરાન કરી દંડ ઉઘરાવો છો એવી બૂમાબૂમ કરી હતી, જેથી લોકટોળાં ભેગાં થઈ ગયાં હતાં. એ સમયે સરફરાજે પોલીસ જવાન જિતેન્દ્રસિંહના હાથમાંથી પાવતીબુક ખૂંચવી ફેંકી દીધી હતી. આ બનાવ અંગે બાપોદ પોલીસે ફરજમાં અડચણ અંગે ઈપીકો કલમ ૧૮૬, ૨૬૯, મુજબ ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.