હવે સોમનાથ મંદિરના પૂજારીઓ વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે
03, મે 2022

સોમનાથ સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો માટે સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરાયા.. દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ થશે, સોમનાથ મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે.. સાથે જ દેશ-વિદેશથી આવતા ભાવિકોને સંસ્કૃત ભાષામાં સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર નો ઈતિહાસ તથા મંદિરના સ્થાપત્યની વિશેષતા જણાવાશે..

વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારત નું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ માં સંસ્કૃત અને સંસ્કૃતિ ના સંવર્ધન માટે જે ઉલ્લેખ છે, તદ્‌ અનુસાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી,વેરાવળમાં થાય તે માટે વેરાવળ માં રાજેન્દ્ર પેલેસ તરીકે ઓળખાતી ખુબજ કીમતી ૧૭ એકર જમીન તેમજ જમીન પર આવેલ રાજેન્દ્ર પેલેસના મકાનને રૂ.૫૦ લાખના ખર્ચે રીનોવેટ કરી સંસ્કૃત યુનિવર્સિટી બનાવવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતી, સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સીટી ની ઘોષણા અને લોકાર્પણ વર્ષ ૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે થયેલુ હતું. ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબે કાર્યક્રમમાં આ બાબતનો ઉલ્લેખ કરેલ હતો. સાથે જ પ્રતિવર્ષ સંસ્કૃત માટે સંશોધન કરતા તજજ્ઞો વિદ્દવતજનો ને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વાર સોમનાથ ચંદ્રક થી સન્માનીત કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃત ના સંવર્ધન માટે એક પ્રગતીશીલ દિશામાં પ્રયાણ થયુ છે, અને સોમનાથ માં આવતા સંસ્કૃત ભાષા થી યાત્રિઓ નુ સ્વાગત કરવામાં આવશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું ૧૫ દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. ૭૦ અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે ૨ વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત નો ઉપયોગ શરૂ થશે દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટ ના પુજારી શુદ્ધ સંસ્કૃત ની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહ થી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે ઉત્તમ વિચારને અનુકરણમાં મૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટ ના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી ના હસ્તે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી ના કાર્યકારી કુલપતિશ્રી, અધિકારીશ્રીઓ ની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

કાર્યક્રમનાં ઉદઘાટક અને ભારતીય ચલચિત્ર માં અપાર ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા અને ચાણક્ય નું પાત્ર ભજવનાર અભિનેતા પદ્મ ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃત માં વસેલું છે. સંસ્કૃત દૂર જવા નો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે જનસમાજને સંસ્કૃત ભાષા ની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારી ગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્ય અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution