અમદાવાદ-

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજેલ સાક્ષાત માં મહાકાળીકાના મંદિરે માતાજી ના સાક્ષાત દર્શન કરવા માટે થઈને ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. કોરોના મહામારીને પગલે મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે બે માસથી બંધ રાખવામાં આવેલ હતું. ત્યારે આગામી શુક્રવારથી મંદિરના દ્વાર ભાવ્ક ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શન કોરોના મહામારીની બીજી લહેર ના પગલે તા. ૧૨. ૪. ૨૧ થી ૧૭ દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે દિન-પ્રતિદિન કોરોના નો પ્રકોપ વધતાં મંદિર ભાવિક ભક્તોના દર્શનાર્થે બંધ રાખવાનો સમય વધારવામાં આવ્યો હતો. જ્યારે બે માસ જેટલો સમય બાદ કોરોના ની રફતાર મંદ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૯ દિવસ બાદ તા. ૧૧. ૬. ૨૧ શુક્રવારના રોજથી સવારે ૬ કલાકથી સાંજના ૭. ૩૦ કલાક સુધી રાબેતા મુજબ નીજ મંદિરના દ્વાર ભક્તો ના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાય રહ્યું છે . તેમજ મંદિર પરિસરમાં દર્શન કરવા આવનાર ભક્તો દ્વારા સરકારશ્રી ની કોવિડ અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની પણ તકેદારી રાખવામાં આવશે, તેવું પણ આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.