મુંબઇ

હાલમાં જ બેંગ્લુરુની એક મૉડલ અને મેકઅપ આર્ટિસ્ટે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા ઝોમેટોના એક ફૂડ ડિલિવરી બોય પર મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઝોમેટોએ તે ડિલિવરી એજન્ટને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ ઝોમેટોના ડિલિવરી બોયનો પક્ષ પણ સામે આવ્યો હતો કે જેમાં તેણે કહ્યું હતું કે આ યુવતીએ જાતે જ પોતાને ઈજા પહોંચાડી છે. ત્યારે બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રોહિત રોયે ડિલિવરી બોયનો સપોર્ટ કર્યો હતો અને હવે ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ તેના સપોર્ટમાં આવી છે.

સોશિયલ મીડિયા પર આ ડિલિવરી બોય મુદ્દે ઘણી જ ચર્ચા ચાલી રહી છે. એક્ટ્રેસ કામ્યા પંજાબીએ ટ્વિટ કરીને એ જ કહ્યું છે કે, કામરાજ નિર્દોષ છે અને તમામ વાંક હિતેશા ચંદ્રાણી નામની મહિલાનો જ છે. કામ્યાએ ટ્વિટ કરીને લખ્યું, 'આંખો બધું જ કહી જાય છે.....મને લાગે છે ઝોમેટોડિલિવરી બોય કામરાજ નિર્દોષ છે અને મને આશા છે કે તેને ન્યાય મળશે. ઝોમેટો પ્લીઝ તેને નોકરીમાંથી ના કાઢશો.'

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હિતેશા નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ઝોમેટો ડિલિવરી બોય કામરાજે તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેની પર હુમલો કર્યો. પરિણામે તે ઈજાગ્રસ્ત થઈ છે. હિતેશાના કહેવા મુજબ તેણે કામરાજને એટલું જ પૂછ્યું હતું કે ખાવાનું લાવવામાં મોડું કેમ થયું? જે બાદ મારામારી થઈ હોવાનો હિતેશાનો દાવો હતો.

જો કે, બાદમાં ડિલિવરી બોય કામરાજ સામે આવ્યો હતો અને તેણે પોતાનો પક્ષ મૂક્યો હતો. તેણે તમામ આરોપો નકારતા કહ્યું કે, હિતેશાએ તેના પર હુમલો કર્યો હતો. જ્યારે તે બચવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે હિતેશાએ પોતાની જાતે જ નાકમાં વગાડ્યું હતું. કામરાજના કહેવા પ્રમાણે હિતેશાએ તેને ગુલામ કહ્યો અને ગાળાગાળી પણ કરી હતી.

આ તરફ ઝોમેટોએ પગલાં લેતાં તાત્કાલિક કામરાજને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો હતો પરંતુ તેનો પગાર ચાલુ રાખ્યો જેથી તેનો ખર્ચ નીકળી શકે. કંપનીએ હિતેશાની સારવારનો ખર્ચ ઉઠાવાની પણ વાત કરી હતી. એટલું જ નહીં ઝોમેટો પોતાના સ્તરે આ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યું છે.