ગાંધીનગર-

પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી અટકાવી અને ગુના શોધી કાઢવા માટે ફિલ્ડમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે પણ એક અલાયદી સગવડ ઉભી કરવામાં આવી છે.જેમાં પોલીસ કર્મીઓના મોબાઈલમાં પોકેટકોપ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે. જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગારોની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે.

જેનાથી પોલીસ કર્મી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનેગાર પર નજર રાખી શકે છે.ગુજરાતના ૬૦૦ જેટલા પોલીસ સ્ટેશનોને સ્માર્ટ બનાવવામાં આવ્યા છે. ઇ-ગુજકોપ નામની એક એપ્લિકેશનથી પોલીસ અને લોકોનું કામ ઘણું આસાન બની ગયું છે. પોલીસ સ્ટેશનની કામગીરીમાં વધુ ઝડપ આવી છે અને લોકો સીધી એપ્લિકેશનમાં ફરિયાદ નોંધી શકે છે. રાજ્યના જે પોલીસ સ્ટેશનમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યાં ઉત્તમ પરિણામ મળ્યાં છે.

ભારતની આઝાદી પછી પોલીસ માટે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રજીસ્ટર મેઈનટેઈન કરવા પડતા હતા, જેમાં ચાર ભાગ—પીએસઓ, એકાઉન્ટ, બારનીશી અને એમઓબી એમ ચાર ભાગમાં ૩૭ રજિસ્ટર રાખવામાં આવતા હોય છે. આ ચાર મુખ્ય રજિસ્ટરથી આખા પોલીસ સ્ટેશનનું સંચાલન થતું હોય છે. હવેથી આ સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્‌ડ કરાઈ છે. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ કોઈ પણ આરોપી કે કોઈ પણ કેસની માહિતી ભલે તે વર્ષો જૂની હોય તો પણ ગણતરીની સેકન્ડમાં મળવા લાગી છે.

પોલીસ સ્ટેશન અને તેના વિસ્તારની માહિતી મેળવા માટે અત્યાર સુધી ઉચ્ચ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને પત્ર લખીને લેખિતમાં માહિતી માંગવામાં આવતી હતી. જેને દિવસોના દિવસ લાગી જતા હતા. હવે માહિતી માંગવાની આવતાની સાથે જ ગણતરીના સેકન્ડ્‌સમાં મળી મળવા લાગી છે. એપ્લિકેશનની મદદથી માનવ કલાકો ઓછા થવા લાગ્યા છે અને કામમાં સરળતા આવી છે.