ઓએસીસનો બચાવ ઃ પીડિતા પહેલેથી જ માનસિક બીમાર હતી!
03, ડિસેમ્બર 2021

વડોદરા, તા.૨

શહેરના વેક્સિન ગ્રાઉન્ડ ઉપર ગેંગરેપના બનાવમાં તપાસનો રેલો ઓએસીસ સુધી પહોંચતાં હવે એ સંસ્થા પીડિતા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પોલીસ સમક્ષ ઠેરવવાનો શરમજનક પ્રયાસ કરી રહી છે. ત્યારે પોલીસે આ અંગેના પુરાવા માગતાં ઓએસીસના જવાબદાર સંચાલકો ગેંગેં-ફેંફેં થઈ ગયા હોવાથી ઓએસીસ સામે પોલીસની શંકા વધુ મજબૂત બની છે અને કોઈ મોટું રાઝ છૂપાવી રહ્યા હોવાનું તપાસ અધિકારીઓ માની રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં ધોરણ-૧૦ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે રહેલી યુવતીને ઓએસીસે તાલીમ આપવા પસંદ કરી હતી અને બે વર્ષથી સંસ્થા સાથે જાેડાયેલી હતી અને મહત્ત્વની જવાબદારી પણ સંસ્થા તરફથી અપાતી હતી. ત્યારે ગેંગરેપનો ભોગ બન્યા બાદ પોલીસ દ્વારા ઓએસીસ સામે શંકા દર્શાવી શરૂ થયેલી તપાસને ગેરમાર્ગે દોરી પીડિતાને માનસિક અસ્વસ્થ ચિતરવાનો નિર્લજ્જ પ્રયાસ સંસ્થાના જવાબદારો કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે, દુષ્કર્મની જાણ હોવા છતાં પીડિતાને લઈ જઈ પોલીસ ફરિયાદ કરવાની મોટી જવાબદારીમાંથી ઓએસીસ છટકવા માગતી હોય એવું ગુનાહિત કૃત્ય કરાયું હતું. ત્યાર બાદ યુવતીને સાંત્વના આપવાને બદલે એકલી તરછોડી ત્રણ દિવસ બાદ નવસારી મોકલી દઈ ઓએસીસે વધુ એકવાર ગુનાહિત બેદરકારી દાખવી હતી.

ચોંકાવનારી વાત તો એ છે કે પીડિતાએ આ બધી વાતો પોતાના હસ્તાક્ષરમાં લખી ઓએસીસ સંસ્થા તરફની નારાજગી ડાયરીમાં દર્શાવી હતી અને આવી સ્ફોટક માહિતી વાળું પાનું ફાડી નંખાયું હતું, જે તપાસ દરમિયાન સંસ્થાએ જ પોલીસને આપતાં શંકા વધુ ઘેરી બની હતી કે ડાયરીના અગાઉ ફાડી નંખાયેલા પાના પણ સંસ્થા પાસે જ હોવા જાેઈએ. પ્રતિભાશાળી અને તેજસ્વી હોવાના કારણે જ પસંદગી પામી ઓએસીસમાં જાેડાયા બાદ લેખિકા બનવાનું સ્વપ્ન જાેતી યુવતીએ એ માટે બધી મદદની ખાતરી આપનાર ઓએસીસ જ હવે છટકી જવા માટે યુવતીની માનસિક સ્થિતિ સ્થિર નહીં હોવાનું પોલીસને જણાવતી હોવાનું બહાર આવ્યું છે. બે વર્ષથી પીડિતા સંસ્થામાં હોવાથી એ દરમિયાન કોઈ માનસિક રોગની સારવાર કરાવાઈ હોય તો એ અંગેના પુરાવા આપો એમ પોલીસ દ્વારા કડક ઉઘરાણી થતાં વિવાદીત સંસ્થા ઓએસીસના જવાબદારો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જેને લઈને સંસ્થા મહત્ત્વની માહિતી છૂપાવતી હોવાની શંકા પોલીસને વધુ મજબૂત બની છે અને આગામી દિવસોમાં આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે. ઓએસીસના જવાબદાર સંચાલકોના બીજા દોરની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવશે એમ ઘટનાની તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે. ત્યારે પુરાવાનો નાશ કરવાની કલમ-૨૦૧ એફઆઈઆરમાં નોંધાઈ છે એ મુજબ સંસ્થા સામે કાર્યવાહી થશે કે કેમ? એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

બળાત્કાર વડોદરામાં તો ફરિયાદ કેમ રેલવે પોલીસમાં?

વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે રેલવે પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં ચાર દિવસનો વિલંબ થયો હતો એની પાછળ શહેર પોલીસ અને રેલવે પોલીસ વચ્ચેનો વિવાદ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.જેમાં બનાવ વડોદરાના વેકસીન ગ્રાઉન્ડ ઉપર બન્યો હોવા છતાં વલસાડ રેલવેમાં ફરિયાદ રેલવેમાં દાખલ થતાં વાદવિવાદ થયો હતો. તેથી તપાસ ભલે સંયુક્ત ચાલતી હોય પરંતુ એજન્સીઓ વચ્ચે તાલમેલ નહીં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેથી જ નરાધમો હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાનું માનવામાં આવે છે.

પરિવારના જ કોઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાશે?

પીડિતાના આત્મહત્યા પાછળ પરિવારના જ કોઈ સભ્યનો હાથ હોવાનું સાબિત કરી ઘટના ઉપર પડદો પાડી દવાનો કારસો રચાયો હોવાનું આંતરિક વર્તુળોએ જણાવ્યું છે અને એની ઉપર જ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લગાડી ઊંચી પહોંચ ધરાવતી સંસ્થાને આ મામલામાંથી બહાર કાઢી લેવાનો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે, જેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે એમ સૂત્રોએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution