વડોદરા,તા.૫

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો અને વાહનોના પાર્કિંગને હટાવિને માર્ગો ખુલ્લા કરવાનું સંયુક્ત અભિયાન સતત ત્રીજા દિવસે જારી રહેવા પામ્યું છે. જેના ભાગરૂપે શહેરના ગીચ વિસ્તાર એવા ન્યાયમંદિર માંડવી રોડ તેમજ જીપીઓ વિસ્તારમાં ઉભા થયેલા દબાણોને પોલીસની મદદથી હટાવવામાં આવ્યા હતા.તેમજ આ વિસ્તારોમાં એક-બેકી પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં સાંકડા માર્ગની બંને તરફ વાહન ચાલકો વાહન પાર્ક કરીને ચાલ્યા જતા હોવાથી તેઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલઆંખ કરીને મેમો ફટકારીને દંડની સ્થળ પર વસુલાત કરવામાં આવી હતી. જેને કારણે કેટલેક ઠેકાણે વાહન ચાલકો સાથે માથાકૂટ પણ થવા પામી હતી. પાલિકાની દબાણ શાખાની ટુકડીઓ દ્વારા પોલીસની હાજરીમાં આ વિસ્તારોમાંથી મોટાપાયે લારીગલ્લા પથારાવાળાને હટાવવામાં આવ્યા હતા. તેમજ એક ટ્રકમાં આ બધો સામાન ભરીને લઇ જવામાં આવ્યો હતો.જીપીઓની આસપાસ અને એમજી રોડ પર બંને તરફ ફૂટપાથ પર પથારાઓનું દબાણ કરીને બેસનારાઓ તેમજ લારીઓ ઉભી રાખનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત જીપીઓ પાસે પણ આજ પ્રમાણે આડેધડ પોલીસ ગ્રાઉન્ડ તરફના રસ્તે આડેધડ ઉભા રહેતા લારીગલ્લાઓવાળાને દૂર કરવામાં આવ્યા હતા.જેમાં ફળ ફળાદીની લારીઓ ઉપરાંત ખાણીપીણીની લારીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય જીપીઓની આસપાસ આડેધડ વાહનોના પાર્કિંગ કરીને ચાલ્યા જનારાઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.