તમિલનાડુ-

તમિલનાડુમાં ૫૦૦ એકરમાં ફેલાયેલા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ઉત્પાદન પ્લાન્ટ ઓલા ફ્યુચરફેક્ટરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે. આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરનાર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સે તેમના ઉત્પાદન માટે ૧૦,૦૦૦ મહિલા કર્મચારીઓ સાથે એક ખાસ ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે. તેનું કામ સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં જ રહેશે.

ઓલા કહે છે કે આર્ત્મનિભર ભારત માટે આર્ત્મનિભર મહિલાઓની જરૂર છે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે એક ટ્‌વીટમાં કહ્યું કે આજે મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે ઓલા ફ્યુચર ફેક્ટરી સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. અમે આ સપ્તાહે આ કર્મચારીઓની પ્રથમ બેચનું સ્વાગત કર્યું છે અને જ્યારે ફેક્ટરી સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે ત્યારે તેમાં ૧૦,૦૦૦ મહિલાઓ હશે. મને ઓલા વુમન ઓનલી ફેક્ટરી અને વિશ્વની પ્રથમ આવી ફેક્ટરીની જાહેરાત કરવામાં ગર્વ છે.

ઓલાએ બે ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ ૧ અને ઓલા એસ ૧ પ્રો લોન્ચ કર્યા છે. આમાં, ઓલા એસ ૧ ની એક્સ-શોરૂમ કિંમત ૯૯,૯૯૯ રૂપિયા અને ઓલા એસ ૧ પ્રોની કિંમત ૧,૨૯,૯૯૯ રૂપિયા છે.

ભાવિશ અગ્રવાલે થોડા દિવસો પહેલા એક ટ્‌વીટમાં કહ્યું હતું કે કંપનીએ ઓલા એસ ૧ ની ખરીદીને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરી છે. લોનની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ કરી દેવામાં આવી છે. અમે અમારા ગ્રાહકોને આ પ્રકારનો પ્રથમ ડિજિટલ ખરીદીનો અનુભવ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

હવે કંપનીનું વેચાણ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. આમાં તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે જેમણે અગાઉ ૪૯૯ રૂપિયામાં તેને બુક કરાવ્યું છે. આ ખરીદી દરમિયાન ગ્રાહકોનું રિઝર્વેશન અને તેમની ખરીદી લાઇન પહેલાની જેમ જ રહેશે. તે જ સમયે, ડિલિવરીની તારીખ પણ સમાન રહેશે.