08, મે 2021
વડોદરા : શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો અત્યાર સુધીના સર્વાધિક આંકડાઓ ઉપર ૯૮૯ ઉપર પહોંચ્યો છે ત્યારે એ પૈકીના કેટલાક ગંભીર દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતાં હવે શહેરને રોજેરોજ ૧૭૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે તંત્રના અથાગ પ્રયત્ન છતાં આજે પણ માત્ર ૧૫૪ મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન આવ્યો નહીં અને ૧૭ ટન ઓક્સિજનની ઘટ ઊભી થઈ હતી. આગામી દિવસોમાં અત્યારે છે એના કરતાં વધારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવાના ડરે ખાનગી હોસ્પિટલોના તબીબોના જીવ તાળવે ચોંટયા છે. જાે કે, ઓક્સિજનના નોડલ અધિકારી પોલીસ અધિક્ષક ઓક્સિજનના આવતા જથ્થા અંગે સિફટપૂર્વક જવાબ આપવાનું ટાળે છે અને ઓક્સિજનનો પુરવઠો સતત આવતો જ રહેતો હોવાથી આંકડા આપી શકાય નહીં એવો બચાવ કરી રહ્યા છે. ખરેખર તો શહેર જિલ્લાના તંત્રની ઓક્સિજનના મામલે બેદરકારીને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા સેંકડો ગંભીર દર્દીઓના જીવન અને મરણનો સવાલ ઊભો થયો છે. ત્યારે શહેરીજનોમાં બેદરકાર વહીવટીતંત્ર અને વામણા નેતાઓ પ્રત્યે ફિટકારની લાગણી ઊભી થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શહેરોની વસતીના આધારે ઓક્સિજનના જથ્થાની ફાળવણી કરી છે ત્યારે વડોદરાની વસતી ભલે ઓછી હોય પરંતુ મધ્ય ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છેક રાજસ્થાનથી સારવાર માટે દર્દીઓ આવતા હોવાથી દર્દીઓનો આંકડો અન્ય શહેરો કરતાં મોટો થાય છે એની સામે ઓક્સિજનની હંમશાં તૂટ પડે છે અને આ વસ્તુ તંત્ર અને વામણા નેતાઓ સરકારને સમજાવી શકતા નથી. ગઈકાલે ગુરુવારેની વાત કરીએ તો ગઈકાલે શહેરની જરૂરિયાત કરતાં ૮ ટન જેટલો ઓક્સિજનનો જથ્થો ઓછો આવ્યો હતો. એટલે કે, ૧૬૦ ટનની સામે ૧૫ર ટન જેટલો જથ્થો મોડી રાત સુધીમાં આવી શકયો હતો. જેની સામે આજે શુક્રવારે પોઝિટિવ દર્દીઓનો આંક સર્વાધિક ૯૮૯ પહોંચ્યો હતો. એ પૈકી કેટલાક ગંભીર હતા અને અગાઉ સામાન્ય હતા પરંતુ બાદમાં ગંભીર બનતા દર્દીઓ વધતાં હવે શહેરને ૧૭૦ ટન જેટલા જથ્થાની જરૂરિયાત ઊભી થઈ છે.
એની સામે આજે શુક્રવારે માત્ર ૧૫ ટન જથ્થો આવતાં હવે ઘટ વધીને ૧૭ ટનની થઈ છે. પરિણામે ખાનગી હોસ્પિટલોના વાહનો નવલખી રિફિલિંગ સ્ટેશન ખાતે બપોરે ૧ર વાગ્યાના ઊભા હતા અને મોડી સાંજે ૭.૩૦ વાગે ટેન્કર આવતાં જથ્થો અપાયો હતો. એ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરો થવામાં આવતાં સારવાર કરતા તબીબો અને દર્દીઓ અને સગાવહાલાઓના જીવ અધ્ધર રહ્યા હતા.