વડોદરા : સમગ્ર રાજ્યમાં કોરોનાની વાસ્તવિક સ્થિતિ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. એવા વિપક્ષોના સીધા આક્ષેપોને તંત્ર સમર્થન આપતું હોય એવી સ્થિતિ આકાર લેવા જઈ રહી છે. આ સંજોગો વચ્ચે કોરોનાને લઈને સરકારની બેધારી નીતિથી શહેરના વેપાર ઉદ્યોગો અને નગરજનોમાં દ્વિધાભરી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સરકાર દ્વારા એક તરફ અનલોક પાંચની યુદ્ધના ધોરણે તૈયારીઓ કરીને વેપાર ઉદ્યોગ પર રાખવામાં આવેલ ગણ્યાગાંઠ્‌યા પ્રતિબંધો ઉઠાવી લેવાની તૈયારીઓ થઇ રહી છે. જ્યારે બીજી તરફ રાજ્યના શહેરી વિસ્તારોમાં રાત્રી લોકડાઉન જેવા નિયંત્રણો મુકાવા જઈ રહયા છે. આને લઈને અમદાવાદની માફક વડોદરા શહેરમાં પણ રાત્રે દશ વાગ્યા પછીથી ખાણીપીણીના બજારો, રેસ્ટોરન્ટો, હોટલો સહિતના રાત્રે ધમધમતા સ્થળો બંધ રાખવાને માટે ર્નિણય લેવાનાર છે. વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે આનો અમલ કરાવવા જઈ રહ્યું છે. આ અંગેનો ર્નિણય એક બે દિવસમાં લેવાઈ જશે એવો સંકેત વડોદરા પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠ દ્વારા આપવામાં આવ્યો છે. તેઓએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું કે, રાત્રીના દશ પછીથી બજારો સંપૂર્ણ બંધ રાખવાની બાબત વિચારણા હેઠળ છે.  

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના પગલે રાત્રીના દશ વાગ્યા પછી કેટલાક વિસ્તારોમાં

વેપાર મુદ્દે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે આવનાર દિવસોમાં ઉભી થનાર વધુ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય ર્નિણય લેવામાં આવશે તેવી સ્પષ્ટતા વડોદરા મહાનગર પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં આ કોરોનાનું સંક્રમણ અનલોક પછીથી વધુને વધુ ફેલાતા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં બજારો અને દુકાનો રાત્રિના દશ વાગ્યા બાદ બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં પણ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને પ્રતિદિન સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસી ૧૪૪ મુજબનું જાહેરનામું ચારથી વધુ વ્યક્તિઓ એકસાથે ભેગા ન થાય એને માટે બહાર પાડવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં લોકો ભેગા ના થઇ શકે અને કોરોનાનું સંક્રમણ ઘટે. ત્યારે વડોદરા પાલિકા દ્વારા પણ અમદાવાદની માફક રાત્રીના દશ વાગ્યા બાદ દુકાનો અને બજારો બંધ કરવાનો જે ર્નિણય લેવામાં આવ્યો છે, તેવો જ ર્નિણય વિચારણા હેઠળ મૂકવામાં આવ્યો છે. જો આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણથી ફેલાય તો વડોદરા શહેરમાં પણ રાત્રીના દશ વાગ્યા પછી સંભવિત વિસ્તારોમાં દુકાનો અને બજારો બંધ કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.