વડોદરા, તા.૭

વડોદરા ગેસ કંપની દ્વારા આજે સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં ગેસ બીલની બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન ઝડપી પાડવા માટે પોલીસની મદદ લઇ સતત બીજા દિવસે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં બાકી બીલ પેટે રૂા.૯.૫૬ લાખની વસૂલાત અને જ્યારે બાકી વસૂલાત અન બિન અધિકૃત વધારાના મળીને કુલ ૨૬ ગેસ કનેક્શનો બંધ કરાયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપની દ્વારા ટીમ બનાવી પોલીસની મદદ સાથે ગુરૂવાર થી વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેસ બીલ ભરપાઈ નહીં કરતા ગેસ ગ્રાહકો સામે આજે કડક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરા ગેસ કંપનીના પાણીગેટ ઝોન વિસ્તારના કરોડ જેવી માતબર રકમ ભરપાઈ નહીં થતા આજે ફરી એકવાર ગેસ કનેક્શન કાપવાની શરૂઆત કરી હતી.

આજે પાણીગેટ વિસ્તારમાં આવેલ દુધવાલા મહોલ્લો, ચુડીવાલા મહોલ્લો, અલ્માસ માર્કેટ, નિમવાલા મસ્જીદની આસપાસના વિસ્તારોમાં ચેકીંગ કરીને બાકી બીલ પેટે રૂા. ૯.૫૬,૨૫૭ ની વસૂલાત કરી હતી. જ્યારે બાકી બીલ નહી ભરતા ૨૬ ગેસ જાેડાણો કાંપી નાંખવામાં આવ્યા હતા.ઉપરાંત વડોદરા ગેસ કંપનીની ચાર ટીમો દ્વારા મીટર લગાવ્યા વિના ગેસ કનેક્શન બાયપાસ કરી વધારાનું કનેક્શન મેળવી લઈને ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવતા તેવા ૪ મીટરો બદલ્યા હતા.