ફરી એકવાર ભૂકંપથી ગુજરાત હચમચી શકે છે
14, ઓગ્સ્ટ 2022

રાજકોટ, છ વર્ષ સુધી ઉંડાણપૂર્વક સંશોધન કર્યા પછી કચ્છ યુનિવર્સિટીના આઠ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, કચ્છમાં આગામી ૫૦થી ૧૦૦ વર્ષમાં ફરી એકવાર ધરતીકંપ આવશે જેની તીવ્રતા વર્ષ ૨૦૦૧માં આવેલા ધરતીકંપ કરતા ૩ ગણી વધારે હશે. વૈજ્ઞાનિકોના અનુમાન અનુસાર, શક્ય છે કે તે ભૂકંપને કારણે પહેલાની સરખામણીમાં અનેક ગણું વધારે નુકસાન થાય અને વર્ષો સુધી તેની અસર અર્થવ્યવસ્થા પર જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પાંચ ફોલ્ટ લાઈન છે, જેમાંથી ૩ ફોલ્ટ લાઈન સૌથી વધારે સક્રિય છે. આ ત્રણ સક્રિય ફોલ્ટ લાઈન્સને કારણે આગામી સમયમાં કચ્છમાં ધરતીકંપનું જાેખમ ટોળાયેલું રહેશે. ફોલ્ટ લાઈન્સ જમીનની સપાટીનો તો ભાગ હોય છે જેમાં તિરાડ હોય છે. આ પ્રકારની લાઈન્સનો વિસ્તાર હજારો કિલોમીટર સુધીનો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કરોડોની સંપત્તિ પાયમાલ થઈ ગઈ હતી. વૈજ્ઞાનિકોને ડર છે કે આ બે સક્રિય ફોલ્ટ લાઈનને કારણે અગાઉ કરતા વધારે ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે. રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો ભૂકંપ આવે તો ૨૦૦થી ૩૦૦ કિમીના વિસ્તાર સુધી તેની અસર જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન વિભાગ તરફથી વર્ષ ૨૦૧૬માં દેશના ૩ કોરિડોરની ઓળખ કરવામાં આવી હતી અને વૈજ્ઞૈનિકોને તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ૩૦૦ પાનાનો એક મુખ્ય દસ્તાવેજ તૈયાર કર્યો હતો જેમાં નકશાઓ તેમજ પાછલા છ વર્ષમાં પ્રકાશિત થયેલા ૪૫ પેપર્સની માહિતી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી ૫૦-૧૦૦ વર્ષોમાં ૬.૫ અથવા ૭ની તીવ્રતાનો એક ભૂકંપ આવી શકે છે, જે લગભગ ૩૦૦ કિમી વિસ્તારને પ્રભાવિત કરશે. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો હતો. અને અમદાવાદ, મોરબી સહિતના વિસ્તારો પ્રભાવિત થયા હતા. આટલુ જ નહીં, પાકિસ્તાનના અમુક ભાગોમાં પણ અસર વર્તાઈ હતી. કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાનના એમ.જી.ઠક્કર જણાવે છે કે, જાે તમે ૭ અથવા તેનાથી વધારે તીવ્રતાના ભૂકંપની વાત કરો તો ૧૦૦થી ૨૦૦ કિમી કંઈ જ નથી. આ પ્રકારનો ભૂકંપ ૩૦૦ કિમી વિસ્તાર સુધી ઉંચી ઈમારતોને પ્રભાવિત કરી શકે છે. અમારું સંશોધન હજી એક વર્ષ પછી મંત્રાલયને સોંપવામાં આવશે. અમારી શોધનું તારણ ઓથોરિટીને મોકલવામાં આવશે જેથી તેઓ આખા રાજ્યને ધ્યાનમાં રાખીને એક પ્લાન તૈયાર કરી શકે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કચ્છ જેવા વિસ્તારોમાં અમુક ફોલ્ટ લાઈન્સ હંમેશા સક્રિય હોય છે. માટે આ વિસ્તારોમાં ભૂકંપને લગતા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જરૂરી છે. કોઈ પણ ઈમારત અથવા અન્ય કોઈ બાંધકામની યોજના ઘડતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution