આણંદ : આજે રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા પાલિકાઓના બીજા તબક્કાના ચૂંટણી જંગ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાના જંગ માટે મતદાન કરવામાં આવતાં એક દિવસના રાજાએ પાંચ વર્ષના સુલતાનનો રાજ્યાભિષેક કર્યો હતો. ગત સપ્તાહના મહાપાલિકાના જંગમાં સામાન્ય મતદાન થવા છતાં આજના મતદાનમાં પણ શરૂમાં મંદ ગતિ જાેવાં મળતાં ઉમેદવાર તથા ટેકેદારોમાં ઉચ્ચાટ ફરી વળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આજે રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા પાલિકાઓના બીજા તબક્કાના મતદાન અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકામાં સવારથી મતદાનનો પારંભ થતાં શરૂના ચાર કલાક દરમિયાન સરેરાશ ૨૦ ટકા જેટલું નોંધાયું હતું, જેનાં પગલે ઉમેદવાર તથા ટેકેદારોમાં ઉચ્ચાટની લાગણી જાેવા મળી હતી, પરંતુ આખરી તબક્કામાં મતદાને વેગ પકડતાં થોડી રાહતની લાગણી અનુભવાઈ હતી.

આજે થયેલાં મતદાન પૈકી જિલ્લા પંચાયતની ૪૨ બેઠક પર ૯૯ ઉમેદવાર, આઠ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠક પર ૪૫૬ ઉમેદવાર તથા છ પાલિકા જંગમાં ૨૦૯ બેઠક પર ૫૮૪ ઉમેદવાર માટે એક દિવસના રાજાએ પાંચ વર્ષના સુલતાનનો રાજ્યાભિષેક કર્યો હતો! હાલ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. હવે બીજી માર્ચે મતના પટારા ખુલશે ત્યારે મતદારોએ કોને તિલક કર્યું છે તે ખબર પડશે.

આણંદની જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકોમાં સવારથી મતદાન ધીમી રાહે શરૂ થયું હતું. મતદાન વધુ થાય તે માટે સરકારી તંત્ર અને રાજકીય પક્ષો પોતાની રીતે જહેમત મહેનત અને જાગૃતિના સઘન પ્રયત્નો કર્યા હતાં. જાેકે, શરૂઆતના તબક્કે એકલ દોકલ નાગરિકો અને ઉમેદવારો અને તેમનાં સમર્થકોએ મતદાનની શરૂઆત કરી હતી. વિવિધ પક્ષોના કાર્યકરોએ પોતે મતદાન કરીને પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી વધુ મતદાન માટે અપીલ કરતાં નજરે ચઢ્યાં હતાં.

સવારે ૯ વાગ્યા બાદ મતદાનમાં ગતિ પકડાઈ રહેલ જાેવા મળી હતી. મતદાનની ગતિ ધીમી રહેતાં જિલ્લા અને તાલુકા તેમજ નગરપાલિકા બુથ ઉપર કાર્યકરોની સક્રિયતા જે તે વિસ્તારમાં વધી હતી. આણંદ જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ પટેલે પત્ની અને દીકરી સાથે મતદાન કર્યું હતું. સ્વામિનારાયણ સંતોએ પણ મતદાન કર્યું હતું.

કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે થઈ રહેલાં મતદાનને લઈ લોકો ઉત્સાહિત જણાયાં હતાં. આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે ૧૦૬ ઉમેદવારો મેદાનમાં છે. ૮ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠકો માટે ૪૫૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૬ નગરપાલિકાની ૨૧૨ બેઠકો તેમજ કરમસદ નગરપાલિકાની ૧ બેઠક પર કુલ ૫૮૨ પોતાના તરફે મતદાન કરાવવા ઉમેદવારોએ એડીચોટીનું જાેર લગાવ્યું હતું. ભાજપ, કોંગ્રેસ સહિત આ વખતે આપ અને અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં પોત પોતાની જાેર અજમાઈશ કરી હતી. મહત્વનું છે કે આણંદ જિલ્લાની કુલ ૨૧૩ પૈકી ૩ બેઠકો બિનહરિફ થઈ છે, જે તમામ આણંદ નગરપાલિકાની છે.