માંડવી, માંડવીનાં વરજાખણ ત્રણ રસ્તા ખાતે એક ડમ્પર ચાલક દ્વારા માર્ગની બાજુમાં ઉભેલ એક છોટા હાથી અને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેમાં ૫ વ્યક્તિઓને ઓછી-વધતી ઈજાઓ તેમજ ૧ વ્યક્તિનું મોત થતા પોલીસ ફરિયાદ નોંધાય હતી.માંડવી તાલુકાનાં વરજાખણ ગામનાં અમુક વ્યક્તિઓ માંડવી ખાતે ભજનમાં જતા હતા. તેઓ પોતાનાં બે વાહનો હીરો સ્પ્લેન્ડર બાઇક અને છોટા હાથી લઈ રાત્રીનાં ૮ વાગ્યાનાં સુમારે વરજાખણ બસ સ્ટેન્ડ ખાતે માર્ગની બાજુમાં ઉભા રહી બીજાની રાહ જાેતા હતા. તે વેળાએ એકાએક ત્રણ રસ્તા પરથી પૂર ઝડપે આવતા ડમ્પર નાં ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બંને વાહનોને અડફેટે લેતા બંને વાહનો માર્ગની નીચે ફંગોટાઈ ગયા હતા. અને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. છોટા હાથીમાં બેસેલ વ્યક્તિઓને બહાર કાઢી ઇજાગ્રસ્ત ૬ વ્યક્તિઓને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જેમાં ૫ ને ઓછી વધતી ઈજાઓ થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી. જ્યારે એક વ્યક્તિ રમણભાઈ ગેમલભાઈ ગામીતને માથાનાં ભાગે વધુ ઇજા થતાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.