પાખંડી પ્રશાંત સામે દુષ્કર્મની વધુ એક ફરિયાદ
01, નવેમ્બર 2020

વડોદરા : બળાત્કાર, યૌનશોષણ, છેતરપિંડી જેવા ગુનાઓ બદલ હાલ જેલવાસ ભોગવી રહેલા ઠગ ભગત બગલામુખી મંદિરના બની બેઠેલા ગુરુ પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આસારામ અને બાબારહીમને પણ શરમાવે એવા કૃત્યો કર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી, જેમાં ભોગ બનેલી યુવતીએ સિલસિલાબદ્ધ રીતે વર્ણવી છે. ‘હું સદ્‌ગુરુ છું તારે સતલોકમાં જવું હોય તો મારી સેવા કરવી જ પડશે. હું કહું એમ તારે કરવાનું’ એમ કહી પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે અનેક મહિલાઓને ભોળવી-લલચાવી પોતાની પાપલીલા આચરી હતી. આખરે તેના પાપનો ઘડો ફૂટી જતાં તેની સામે વારસિયા અને ગોત્રી પોલીસ મથકમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી. જેમાં દુષ્કર્મની આ બીજી ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાઈ છે.  

જેમાં સગીરાને પગ દબાવવાના બહાને બેડરૂમમાં બોલાવી ઘેનની ગોળીઓ ખવડાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાને વેકેશન દરમિયાન પાખંડી પ્રશાંતે પોતાના આશ્રમમાં સેવા માટે રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેની વીડિયો ક્લિપ બનાવી પૂરા પરિવારને ખતમ કરી નાખવાની ધાકધમકી આપી સગીરાને પીંખતો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ પ્રશાંત કરતો હતો.

ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પાખંડી પ્રશાંત આશ્રમમાં સેવા કરવા માટે આવનાર યુવતીઓને પોતાની સેવા કરવા માટે પોતાની ખાસ રાખેલી સેવિકાઓના માધ્યમથી કહેવડાવતો હતો અને એ સેવિકાઓ યુવતીઓને આગ્રહ કરી પ્રશાંતના બેડરૂમ સુધી પહોંચાડતો હતો, જ્યાં પ્રશાંતની કામવાસનાનો ખેલ શરૂ થતો હતો અને અનેક યુવતીઓના શિયળ લૂંટતો હતો.

ફરિયાદમાં એવી પણ ચોંકાવનારી માહિતી લખાવવામાં આવી હતી કે લંપટ પ્રશાંતે સગીરા શિષ્યાને ગાલ ઉપર હાથ ફેરવી ‘આઈ લવ યુ...’ કહી મને તારી ફિગર બહુ ગમે છે એમ જણાવી જકડી લેતો હતો. બીજા દિવસે ભોગ બનેલી યુવતીને અન્ય સાધિકાઓએ પણ ધમકી આપી હતી કે આ બાબતની જાણ તું તારા માતા-પિતા અથવા આશ્રમમાં આવતા કોઈ વ્યક્તિને કહીશ નહીં, ગુરુજી ધારે તે કરી શકે છે.

આ અગાઉ પણ પ્રશાંત સામે છેતરપિંડી, યૌનશોષણ અને બળાત્કારની ફરિયાદો બાદ લાંબા સમય સુધી ભોગ બનેલી યુવતી ચૂપ બેસી રહી હતી. અંતે હિંમત એકઠી કરી યુવતીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હવે જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી ગોત્રી પોલીસ તપાસ હાથ ધરશે.

સગીરાના પિતાને મેમરી કાર્ડ આપ્યું હતું

વેકેશન પૂરું થતાં સગીરા પોતાના ઘરે જતી રહી ત્યારે પાપી પ્રશાંતે તેના પિતાને બોલાવી જણાવ્યું કે, તમારી છોકરી કોઈ છોકરાના લફરામાં છે જેથી તેને આશ્રમમાં સેવા કરવા મારી સાથે રાખો. કારણ કે, તમારી છોકરી તમારા કહ્યામાં નથી તેમ જણાવી સગીરાને તેની વિરુદ્ધ કર્યા હતા. પિતાના કહેવાથી યુવતી આશ્રમમાં જતી ત્યારે પ્રશાંત તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. જેથી આખરે સગીરાએ જવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પ્રશાંતે સગીરાના પિતાને મેમરી કાર્ડ આપ્યું હતું. જેમાં સત્સંગનો વીડિયો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ કાર્ડમાં જાેતાં તેની જાણ બહાર ઉતારવામાં આવેલો વીડિયો સામે આવ્યો હતો. યુવતીને પાપી પ્રશાંત વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવતાં તેણે હિંમત દાખવી આખરે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સત્સંગના બહાને યુવતીઓને બોલાવતો

આખું સેક્સરેકેટ જ પાખંડી પ્રશાંત ચલાવતો હોય એમ સત્સંગના બહાને યુવતીઓને બોલાવી અન્ય સાધિકાઓ શિલ્પા, જાેન, વિજયા, દીશા, સચદેવા, દીક્ષા જસવાની ઉર્ફે સીમા, ઉન્નતિ જાેશી જેમના નામનો ઉલ્લેખ એફઆઈઆરમાં છે. આ સાધિકાઓ અન્ય યુવતીઓને ભોળવી-ધાકધમકી આપી પ્રશાંત પાસે મોકલતી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution