આણંદ, તા.૧૬ 

વિકાસ ઝંખતા ખંભાતને ખરેખર ભ્રષ્ટાચારીઓની નજર જ લાગી છે. માંડ એક ભ્રષ્ટાચારની શાહી સૂકાંતી નથી ત્યાં તો બીજા ભ્રષ્ટાચારો ઉભરાવા માંડે છે. શકરપુર ગ્રામ પંચાયતના ખાતામાં વર્ષ ૨૦૧૧- ૨૦૧૭ સુધી નાણાપંચની રકમ પર પૂર્વ સરપંચ, તલાટી અને સ્થાનિક કોન્ટ્રેક્ટરની ભ્રષ્ટ નજર લાગી ગઈ હતી. ત્યાર બાદ આ ભ્રષ્ટાચારીઓએ મિલીભગત કરી ગામમાં વિકાસ કરવાને બદલે વિકાસને રઘવાયો બનાવી દીધો હતો. ગ્રામ પંચાયતના નાણાપંચના ખાતામાંથી આયોજન વિના એસ્ટિમેટ મંજૂર થાય તે પૂર્વે જ કોઈ પણ જાતની કામગીરી કર્યા વગર બેરર ચેક બનાવી લાખો રૂપિયાની સીધે સીધી ઉચાપત કરી હતી. આ ગેરરીતિને લઈને શકરપુર ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ દ્વારા પણ ૧૩ અને ૧૪મા નાણાંપંચના ખાતામાંથી ગ્રામ્ય વિકાસનાં કામો કર્યા સિવાય પૂર્વ સરપંચ,તલાટી મંત્રી, સ્થાનિક કોન્ટ્રેક્ટરે મિલીભગતથી લાખો રૂપિયાની સીધી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરાયા બાબતે તપાસ કરી ભ્રષ્ટચાર કરનારાઓની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરિણામે આજે જિલ્લા વિકાસ અધિકારીના આદેશનુસાર ખંભાતના શકરપુર ખાતે વિકાસના કામે કરેલી નાણાકીય ગેરરીતિઓને પગલે જિલ્લા તપાસ ટીમે સ્થળ નિરીક્ષણ કરી તપાસ આદરતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

નોંધનીય છે કે, છેલ્લાં બે વર્ષથી આ ભ્રષ્ટાચારની તપાસો કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે, વિકાસના કામે ગેરરીતિ થઈ છે. આ બાબતનો રિપોર્ટ પણ કરાયો હતો. સમયાંતરે રાજકીય આકાઓના દબાણથી અને ભ્રષ્ટ અધિકારીઓએ ભીનું સંકેલી લેતાં કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરતાં હતાં.

જાેકે, જિલ્લા વિકાસ અધિકારીની બદલી થતાં નવનિયુક્ત ડીડીઓના આદેશનુસાર પુનઃ તપાસ આદરતાં ખળભળાટ મચી ગઈ છે. હવે તપાસ ટીમ કૌભાંડીઓને છાવરવા માટે ભીનું સંકેલી તપાસના નાટક કરે છે કે નક્કર કાયદેસરની કાર્યવાહી કરે છે? તે જાેવું રહ્યું.