અમદાવાદ-

એનસીઆરમાં આકાશ ચોખ્ખું-ચણાંક થઈ જતાં લોકોને ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. જો કે અમુક વિસ્તારોમાં આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે જેના કારણે વિઝિબિલિટીમાં ઘટી ગઈ હતી. હજુ આવનારા દિવસોમાં હવામાનનો મિજાજ આ પ્રકારે જ રહેવાની સંભાવના છે. દિલ્હીનું મહત્તમ તાપમાન વધીને 26.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું જે સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ છે.જો કે સવારના સમયે દિલ્હીનું ન્યુનત્તમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું 7.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાં ભેજનું સ્તર 42થી 100 ટકા રહ્યું હતું. ગઈકાલે દિલ્હીનો પ્રીતમપુરા વિસ્તાર સૌથી ગરમ રહ્યો હતો તો સફદરગંજમાં વિઝિબિલિટી માત્ર 50 મીટર રહી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમી વિક્ષોભની અસર પૂરી થયા બાદ દિલ્હીનું હવામાન સાફ થઈ ગયું છે. સવારના સમયે ધુમ્મસની સ્થિતિ બની રહી છે પરંતુ દિવસ પસાર થતાં થતાં તીખો તડકો નીકળી રહ્યો છે જેના કારણે હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે. આ પ્રકારનું વાતાવરણ આખું સપ્તાહ સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.જો કે મોસમના ઉતાર-ચડાવ વચ્ચે વાયુ પ્રદૂષણ પણ યથાવત છે.