વડોદરા : શહેરના છેવાડે આવેલ અંકોડીયા ગામમાં આવેલ કેનાલમાં ન્હાવાની મજા બે કિશોર મિત્ર માટે મોત સમાન બની હતી.સાયકલ લઇને પરિવારને જાણ કર્યા વિના ન્હાવા પડેલા ધોરણ ૯ માં અભ્યાસ કરતા કિશોર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.જ્યારે બીજાને એક મહીલાની સાડી વડે બચાવી લેવામાં આવ્યો હતો.

શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ નૂર્મ યોજના હેઠળ બનાવવામાં આવેલ સ્વામીવિવેકાનંદ હાઇટસમાં રહેતો ચાર્લ્સ રેનીસન ખ્રિસ્તી ( ઉ.વ ૧૪) ધોરણ ૮ માં પાસ થઇને ધોરણ ૯ માં અભ્યાસ કરતો હતો.આજે ચાર્લ્સ તેના મિત્ર શીવુ ભાવેશ નાઇ ( ઉ.વ.૧૩) સાથે સાયકલ પર નજીકમાં આવેલ અંકોડીયા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ન્હાવા ગયા હતા.અને સાયકલ કેનાલની બાજૂમાં મુકી બંનેએ છલાંગ મારી હતી.પણ પાણીનું વહેણ વધુ હોવાથી આ બંને મિત્રો ડૂબવા લાગ્યા હતા. જેથી બંનેએ બચાવો બચાવોની બૂમરાણ મચાવતા નજીકમાંથી પસાર થઇ રહેલા પ્રવિણભાઇ પ્રજાપતિએ કિશોરોને બચાવવા નજીકમાં ઉભી રહેલા મહીલાની મદદ લીધી હતી.મહીલાએ પોતાની સાડી પ્રવિણભાઇને આપી હતી.જેના આધારે પ્રવિણભાઇએ સાડીનો પાલવ કેનાલમાં નાંખતા શિવુએ પકડી લેતા તેના બહાર કાઢી લેવામાં આવ્યો હતો.આ દરમ્યાન ચાર્લ્સ જાેતજાેતામાં પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી.અને લાપતા શિવુની લાશ શોધી કાઢી ગોરવા પોલીસને હવાલે કરી હતી.અને પોલીસે લાશને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ લાશ તેના પરિવારને સોંપીને અકસ્માત મોત અંગેના કાગળો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને પગલે ખ્રિસ્તી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જાેવા મળતી હતી.જયારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શિવુની તબિયત સુધારા પર છે.અંકોડીયા કેનાલમાં આ અગાઉ ન્હાવાની લ્હાયમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.અને આ કેનાલ મોતનો કૂવો બન્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવુ છે.સ્થાનિક લોકો આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર સામે નકકર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.