પોરબંદર-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. સ્વરાજની ચૂંટણીમાં પહેલા મહાનગરપાલિકા ત્યારબાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. પોરબંદરમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં નગરપાલિકાની ચૂંટણીમાં એક વ્યક્તિની બે પત્નીઓ (ઘરવાળી અને બહારવાળી) સામસામે પાર્ટીઓમાંથી ઉભી રહેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કેસમાં મહિલાના પતિએ બહારવાળીને ફોર્મ પરત ખેંચી લેવા અનેપ્રચાર ન કરવાની ધમકી આપી છે.

પોરબંદરમાં ઘરવાળી અને બહારવારીએ નગર પાલિકાના એક જ વોર્ડમાં ચૂંટણીમાં ઝંપલાવતા પતિએ માથાકૂટ કરી હોવાની વાત સામે આવી રહી છે. આ કિસ્સામાં ઓરીજનલ પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી તો બહારવાળીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’એ સામ સામે ઉમેદવારી નોંધાવતા મહિલાના પતિ એવા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ દ્વારા ‘બહારવાળી’ના ઘર બહાર તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમાં ન જવાની પણ ધમકી આપી છે. આ ઘટનાને પગલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

પોરબંદરના આ અજીબો ગરીબ કિસ્સામાં મહિલાના પતિએ બહારવાળીના ઘર બહાર તોડફોડ કર્યા બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. ઓડિયો ક્લિપમાં પતિ બહારવાળીને ચૂંટણી પ્રચારમાં ન જવા માટે ધમકી આપે છે. તમને જણાવી દઈએ કે પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર-૩માંથી ભાજપના મહિલા ઉમેદવાર ઉષા સીડા (પ્રથમ પત્ની) ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે કાૅંગ્રેસમાંથી શાંતિબેન (કથિત પત્ની) ઉમેદવારી કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે, ઘરવાળી અને બહારવાળીના પતિ એવા કેશુ સીડાની ગણતરી ભાજપના સિનીયર નેતાઓમાં થાય છે. તેમણે ઉષા સીડા સાથે લગ્ન કર્યાં છે. લગ્ન જીવનમાં તેમને ચાર દીકરી અને એક દીકરો છે. કેશુ સીડાએ પોતાના બીજા ઘરમાં શાંતિબેનને રાખ્યા છે. જેમને પણ તેઓ પોતાની પત્ની માને છે. શાંતિબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.