આજથી ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કવાયત શરૂ, એક માસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે
05, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ ૨૫મી મે સુધી ચાલશે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત કરી છે. ધોરણ ૧૦ના તથા સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓ આગામી પાંચમી માર્ચ સુધી બોર્ડની વેબસાઈટ પર નિયત કરેલી ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવાનો સમય સવારે ૧૧ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધીનો રહેશે. તે ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓએ પણ પોતાના ફોર્મ ઓનલાઈન ભરવાનાં રહેશે. મે માસમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લગતી કામગીરીનો આજથી આરંભ થયો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ આગામી એક મહિના સુધી બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ અને ફી બોર્ડની વેબસાઈટ પર ભરી શકશે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટેની હોલ ટિકીટ તૈયાર કરવામાં આવશે. તમામ ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ માટેની હોલ ટીકિટ આપવામાં આવશે. આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-૯થી ૧૦ની સાથે ધોરણ-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦%ની જગ્યાએ ૩૦% કરાયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦% કરવામાં આવ્યું છે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં ૫૦% બહુવિકલ્પ પ્રશ્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ ૯થી ૧૨ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution