અમદાવાદ-

નરોડા વિસ્તારમાં રહેતા શિક્ષકએ આરબીએલ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી. જો કે થોડા દિવસ પછી તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી ડીટેલ્સ મોકલી આપજો બાદમાં એક ઓટીપી આવશે તે આપજો જેથી શિક્ષકે ઓટીપી આપવાની સાથે જ તેમના એકાઉન્ટમાંથી 35 હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ અંગે શિક્ષકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના નરોડા વિતારમાં રહેતો 28 વર્ષિય રંજનકુમાર મિશ્રા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. માર્ચ 2021માં આરબીએલ ક્રેડિટ કાર્ડ માટે તેણે અરજી કરી હતી. જેથી 24 માર્ચ 2021ના રોજ રંજનકુમારના મોબાઇલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું બી.આર.એલ.કંપનીમાંથી વાત કરું છું, વેરીફિકેશન માટેનો કોલ છે. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ જન્મ તારીખથી લઇ, તમામ વિગતો મેળવ્યા બાદ એક ઓટીપી મોકલ્યો હતો. તે ઓટીપી સામેવાળી વ્યક્તિએ મેળવી લીધા બાદ બે દિવસમાં ક્રેડિટ કાર્ડ આવી જશે તેમ કહ્યું હતું. ક્રેડિટ કાર્ડ આવ્યા પહેલાં જ રંજનકુમારના મેબાઇલ પર 35529 રૂપિયા ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો. જેથી તે ક્રેડિટ કાર્ડની મેઇન ઓફિસ ગયો હતો અને કાર્ડ બંધ કરાવ્યું હતું. જો કે, ત્યારબાદ વ્યાજના 7800 અંગે વારંવાર ફોન, મેસેજ આવતા રંજનકુમારે આ મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.