ગોધરા, પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં આવેલા જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાઇ જતાં અટકાયત કરાઇ હતી. પોલીસના દરોડા બાદ ધારાસભ્યની સાથે ૧૯ પુરુષ અને ૭ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. આજે શુક્રવારે અન્ય ૧૫૦ જેટલાં મોટામાથાઓ પણ જુગાર રમવા આવવાના હતા પણ એ અગાઉ પોલીસ ત્રાટકતા સૌ સુન્ન થઇ ગયા હતા.પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં વિદેશી મશીનો પર મોટાપાયે જુગાર રમવાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અચાનક રેડ કરતા ૧૫ ખાનદાન નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ઝડપાયેલામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી બનાવટની દારૂની નવ બોટલો પણ કબ્જે કરી હતી. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે લીધો છે.

પોલીસે પાડેલા દરોડાના પગલે ભારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પ્રજાએ જેને મતો આપી ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા છે એવા ખેડા જીલ્લાના માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકો દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જુગાર રમવામાં કયા કયા ખાનદાની નબીરાઓ સામેલ છે તે પોલીસ ફરીયાદ બાદ જ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રીસોર્ટનો મુખ્ય માલિક કોણ છે, જુગારનો મુખ્ય સુત્રધાર કોણ છે. જે ૧૫ જેટલા લોકો છે તે ક્યાંના ખાનદાની નબીરા છે અને કેટલા સમય થી આ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.