સ્થાનિક ચૂંટણી ટાણે જ ભારતીય કિસાન સંઘે રૃપાણી સરકારનો વિરોધ કર્યો
18, ફેબ્રુઆરી 2021

રાજકોટ-

ભારતમાં છેલ્લા ૮૫ દિવસથી ચાલતા કિસાન આંદોલનથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા તરીકે ઓળખાતા ભારતીય કિસાન સંઘે પત્રકાર પરિષદ યોજી સરકાર અને ભાજપ સામે બાંયો ચડાવી છે, ગુજરાતમાં ખેડૂતોના કોઈ જ પ્રશ્નો નથી તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનથી પ્રભાવિત થઈને કિસાન સંઘ ચૂંટણી સમયે જ ભાજપ વિરુદ્ધ મેદાનમાં આવી ગયું છે. તેમજ જણાવ્યું હતું કે, હજી સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

આ પત્રકાર પરિષદમાં કિસાન સંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કિસાન સંઘની ટીમ ભારતીય કિસાન સંઘ દ્વારા નીતિ-રીતિ મુજબ નિમણૂક થઇ છે અને એ મુજબ જ કાર્ય કરે છે. કોંગ્રેસ કે ભાજપ કોઇ પણ પક્ષ સાથે જાેડાયેલી નથી. હાલ જ્યારે કિસાન આંદોલન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે તે સંદર્ભે રાજકોટ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખના દિલીપ સખીયા ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરે છે તો તેને મુખ્યમંત્રીએ કોંગ્રેસના આગેવાન તરીકે જણાવ્યા છે. જેને અમે ખેડૂતો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.?

આ ઉપરાંત પત્રકાર પરિષદમાં તેમણે પોતાના પ્રશ્નોને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને વારંવાર આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર દ્વારા રજુઆત કરી છે છતાં પણ જાણે તેઓ અમારા આવેદનની અવગણના કરતા હોય તેવું લાગી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution