ગઢડા, બોટાદ શહેરનાં રસ્તાઓમાં ઠેકઠેકાણે મસમોટા ગાબડાઓ પડી ગયા છે. આ ગાબડાઓ તંત્ર દ્વારા પુરવામાં આવે છે પરંતુ માત્ર ગણતરીનાં કલાકોમાં પાછા એજ સ્થળે મસમોટા ગાબડાઓ પડી જતા તંત્રનો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે. ત્યારે બોટાદની જનતા તંત્રને થેકસ કહી આભાર માની રહી છે કે હજી સુધી કોઈ મોટો અકસ્માત સર્જાયો નથી, તો શું ? તંત્ર આ રોડ પરનાં ગાબડા બુરવામાં મોટા અકસ્માતની રાહ જાેઈ રહ્યું છે કે વારંવાર આ ખાડાઓ માટીઓથી બુરી ભ્રષ્ટાચાર કરી રહ્યું છે ? બોટાદ શહેરના માર્ગોને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ શહેરનાં મોટાભાગના રોડ રસ્તાઓમાં મસમોટા ગાબડાઓ પડી ગયા છે. આ ગાબડાઓમાં ભૂલેચુકે વાહન પડી જાય તો મોટું નુકશાન થાય છે. ગઢડા રોડ ઉપર નાગલપર દરવાજા થી ગુરૂકુળ સુધીમાં રોડ ઉપર મસમોટા વારંવાર પડતા ગાબડાનાં લીધે તંત્રને રજૂઆત કરવાથી તંત્ર દ્વારા આ ગાબડાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે છે પરંતુ બે થી ત્રણ દિવસમાં આ પુરેલ ગાબડાઓ વાહન ચાલવાથી ઉખડીજતા એકને એક જગ્યા ઉપર વારંવાર ગાબડાઓ પડે છે. જેને લઇ તંત્રની નબળી કામગીરી સામે લોકો રોષે ભરાયા છે. મસમોટા ગાબડાઓનાં લીધે અજાણ્યા વાહન ચાલકોને રાત્રીના સમયે આ ખાડાઓ ન દેખાતા પોતાના વાહનો આ મસમોટા ખાડામાં પડતા વાહનોમાં મોટું નુકશાન થાય છે અને ક્યારેક તો અકસ્માતો પણ સર્જાય છે માટે તંત્ર દ્વારા આ ગાબડાઓ વહેલીતકે રીપેરીંગ કરાય તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.