31, ઓક્ટોબર 2020
ભરૂચ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને હઝરત મોહમદ પયગમ્બરની અભદ્ર ટિપ્પણી અને કાર્ટૂન જાહેરમાં લગાડવાના કૃત્ય સામે મુસ્લિમ સમાજમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચ સ્થિત રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરૂધ્ધ પોતાનો રોષ ઠાલવતું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે ફાન્સમાં જાહેરમાં ઇસ્લામના પયગમ્બર મુહમ્મદ સાહેબ જેવી પવિત્ર હસ્તી સામે અભદ્ર ટિપ્પણી કરેલ કાર્ટુન બનાવી પોસ્ટરો ફ્રાન્સ દેશમાં જાહેરમાં લગાડી મુસ્લિમોની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ તેને સમર્થન આપી આ પ્રકારની હરકત વધુ કરવાનું જણાવી સમગ્ર વિશ્વમાં વસતા મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડેલ છે. જેના સંદર્ભમાં સરકારે આ બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને, તેના આ નિવેદન અને કૃત્યને વિશ્વ સમક્ષ જાહેરમાં વખોડવામાં આવે અને દબાણ લાવવામાં આવે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ અંગે માફી માગે. તથા ફ્રાન્સમાં લગાડેલ પોસ્ટરરો તાત્કાલિક ધોરણે હટાવાય તેવી માંગણી કરવામાં આવી છે.