વડોદરા,તા.૬  

વડોદરા શહેરના સંજયનાગર ખાતે પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવી આપવાનો વાયદો આપી ત્રણ વર્ષ અગાઉ ૧૮૫૦ પરિવારોને ઘરવિહોણા કરી દેવાયા હતા.

જે તે સમયે આ સ્થળે આવેલ ભિક્ષુકોની ગાયકવાડે આપેલ જમીન પરના મકાનો પણ હટાવીને મેઘ પ્રોજેક્ટને માટે કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરીને જગ્યા સમતલ કરી દેવામાં આવી હતી.આ જગ્યાએ માત્ર દોઢ વર્ષમાં જ નવા મકાન બનાવીને ફાળવવામાં આવશે એવો વાયદો કર્યા પછીથી એ વાતને બમણો ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી એ જગ્યાએ એક ઈટ પણ બિલ્ડર દ્વારા મુકવામાં આવી નથી.જ્યારે પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ કરાશે એની તો કોઈ કલ્પના જ કરી શકતું નથી.આ બધી વીટમ્બણાઓ વચ્ચે સંજયનગરના રહેવાસીઓને બિલ્ડર દ્વારા જ્યા સુધી મકાન બનાવીને આપવામાં આવે નહિ.ત્યાં સુધી પ્રત્યેકને પ્રતિમાસ બે હજાર રૂપિયા ભાડું આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.

પરંતુ જ્યારથી કોરોનાની મહામારી ચાલુ થઇ ત્યારથી સંજયનગર પ્રોજેક્ટ હાથ પર લેનાર બિલ્ડર દ્વારા પણ ઘરવિહોણા બની ગયેલા રહેવાસીઓને ભાડાના ચેક આપવામાં અક્ષમ્ય વિલંબ કરવામાં આવી રહ્યો છે.જેમાં છ -છ માસ સુધી ભાડા ન મળતા પાલિકાના શાસકો સામે સંજયનગરવાસીઓએ રીતસરનું આંદોલનનું રણસીંગુ ફુક્યું હતું.જેને લઈને શાસકોના પગ નીચેથી ધરતી સારી જતી હોય એવું મેહસૂસ થતા આખરે રહીશોને શાંત પાડવાને માટે મને કે મને બાકી ભાડા પેટે ચેક આપવામાં આવ્યા હતા.પરંતુ માત્ર બે હજાર જેવી મામૂલી ભાડાની રકમના ચેકો પણ બિલ્ડરના ખાતામાં નાણાંના અભાવે પરત ફર્યા હતા.જેને લઈને આ ગરીબ ઘરવિહોણાઓ માટે પડતા પર પાટુ પડયા જેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી.જેઓના ચેક રિટર્ન આવ્યા હતા તેઓના બેન્ક ખાતામાંથી બેન્ક દ્વેરિઆ વધારાનો રિટર્ન ચેકનો ચાર્જ વસૂલાયો હોવાના આક્ષેપો થઇ રહયા છે.એ નુકશાની કોણ ભોગવશે?એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.બીજી તરફ એવી પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે કે જે બિલ્ડર માત્ર બે હજાર જેવી મામૂલી રકમના ચેક પાસ કરાવી શકતો નથી.એ બે હજાર કરોડના નફાવાળો પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરી શકશે.તેમજ એમાં ક્વોલિટી વર્ક કરશે કે કેમ એ બાબતે પણ સંજયનગરના ઘરવિહોણાઓમાં સંદેહ પ્રવર્તી રહ્યો છે.

બિલ્ડરની આર્થિક ડામાડોળ સ્થિતિ વચ્ચે એ સંજયનગરનો પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશે કે કેમ એમાં શંકા પ્રવર્તી રહી છે.ત્યારે આ બિલ્ડર પાસેથી પાલિકા કરાર રદ્દ કરી એની ડિપોઝીટની રકમમાંથી સંજયનગરના ઘર વિહોણા ૧૮૫૦ જેટલા પરિવારોને બાકી ભાડાની રકમ ચુકવવામાં આવે તેમજ પાલિકા પોતેજ આ પ્રોજેક્ટ હાથ પર લઈને પૂર્ણ કરે એવી માગ વધુ એકવાર દોહરાવવામાં આવી છે.