ખેડા : આઝાદીના ૭૫મા વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીયાત્રાનો શુભ આરંભ તા.૧૨ માર્ચને શુક્રવારે કરવામાં આવ્યો હતો. આ પ્રતીકાત્મક દાંડીયાત્રા ખેડા જિલ્લાના પિંગળજ ચોકડીથી ખેડા જિલ્લામાં પ્રવેશી હતી. ત્યારબાદ નવાગામ રાત્રી રોકાણ માટે માતર તાલુકામાં પ્રવેશી હતી. પ્રતીકાત્મક દાંડી યાત્રા આવતી હોવાથી વર્ષોથી ધૂળીયો માતર દાંડી માર્ગ અચાનક ચકાચક બની ગયો છે! આ માર્ગ પર છેલ્લાં ૧૦ વર્ષમાં જે કામ થયું ન હતું તે માત્ર છેલ્લાં ત્રણ દિવસમાં થઈ ગયું હતું. માતરના ધૂળીયા દાંડી માર્ગની રોનક બદલાઈ જતાં સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું!

આ બાબતે માતરના ગાંધીવાદી વિચારધારાને માનનારા સંજયભાઈ રાવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં મનમોહન સરકાર દ્વારા સાબરમતી આશ્રમથી દાંડી સુધીના દાંડી માર્ગ માટે ૧૦૦ કરોડ ફાળવ્યાં હતાં, જેમાં દાંડી માર્ગમાં આવતાં રોડ, રસ્તા, બ્રિજ, સ્મૃતિભવન બનાવવા માટે હેરિટેજ વિભાગને કહેવામાં આવ્યું હતું. દાંડી યાત્રા વખતે પૂ.મહાત્મા ગાંધીએ ખેડા તાલુકાના વાસણાબુજર્ગ ગામથી વાત્રક નદીમાં થઈ માતરમાં પ્રવેશ કર્યો હતો. અહીં નદી પર બ્રિજ બનાવવાનો હતો, પણ આજદિન સુધી અહીં બ્રિજ બન્યો ન હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ ૧૦ વર્ષ વીતી ગયાં, બ્રિજ બન્યો ન હતો. જાેકે, હવે પીએમ નરેન્દ્ર મોદીએ જેનો આરંભ કરાવ્યો છે એ પ્રતીકાત્મક દાંડી યાત્રા આ માર્ગ પરથી પસાર થવાની હતી એટલે તંત્રએ તાત્કાલિક ત્રણ જ દિવસમાં નદીનાં પાણીનાં વહેણમાં ભૂંગળા મૂકીને તેની ઉપર ડામરનો કાચો રોડ બનાવી દીધો હતો! વળી, આ માર્ગ પર દાંડી માર્ગના થાંભલા પણ હતાં. તે નદીના ૭૦૦ મીટરના રસ્તા પર લગાવી દેવામાં આવ્યા છે. દાંડી માર્ગ પર આજદિન સુધી સફાઈ થઈ ન હતી, પણ છેલ્લાં ત્રણ દિવસથી સફાઈકામ જાેરશોરથી ચાલી રહ્યું છે. દાંડી માર્ગ પર ઠેર-ઠેર પેઇન્ટિંગ કરીને સ્વચ્છતા અભિયાનના ચિત્રો બનાવવામાં આવી રહ્યાં છે.

એટલું જ નહીં, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીજી માતરમાં જ્યાં રોકાયાં હતાં તે સ્મૃતિભવનમાં ગાંધીજીનું સ્ટેચ્યૂ ન હતું. તે પણ તાત્કાલિક મૂકવામાં આવ્યું છે. દુઃખની વાત તો એ છે કે ગાંધીજીનું જે સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે તે ફાઇબરનું છે. પ્રધાનમંત્રીએ આરંભ કરાવેલી પ્રતીકાત્મક દાંડી યાત્રા માતરમાંથી પસાર થવાની હોવાથી બધા કામ રાતોરાત થઈ ગયાં છે.

સંજયભાઈ રાવનું વધુમાં કહેવું છે કે, ૨૦૨૦માં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અહીં આવ્યા હતાં. તેઓએ માતરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ વાત્રક નદીના પાણીમાં થઈને આવ્યા હતા. એ વખતે સ્મૃત્તિભવનમાં ગાંધીજીનું સ્ટેચ્યૂ પણ ન હતું. આજે કેન્દ્ર સરકારના અધિકારીઓ આવવાના હોવાતી વાત્રક નદી પર કામચલાઉ બ્રિજ પણ બની ગયો અને વર્ષોથી અસ્વચ્છ રહેલો દાંડી માર્ગ પણ સ્વચ્છ થઈ ગયો છે! બાકી હતું તો સ્મૃત્તિભવનમાં પૂ.બાપુનું સ્ટેચ્યૂ પણ લાગી ગયું છે.