વડોદરા-

હાલના કોરોના મહામારીના સમયમાં દર્દીઓ માટે જીવાદોરી સમાન ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતા હવે તેની પણ કાળાબજારી શરૂ થઇ છે. ઓક્સિજન સિલિન્ડરની કાળા બજારી કરનાર અમદાવાદના ભેજાબાજની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 47 લીટરના 3 ઓક્સિજન સિલિન્ડર મળી રૂ. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આવા સંકટ સમયે રેમડેસિવિર ઇન્જેક્શન અને ત્યારબાદ હવે ઓક્સિજન સિલિન્ડરની અછત ઉભી થવા પામી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. અને આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી અમદાવાદ અમરાઇવાડી કરણીનગર સોસા.માં રહેતા જય ગઢવીનો ડમી ગ્રાહક પાસે સંપર્ક કરાવ્યો હતો. ડમી ગ્રાહકે ઓક્સિજ લેવાની તૈયારી દાખવતા જય ગઢવી પોતાની હોન્ડા અમેઝ કારમાં ત્રણ સિલિન્ડર લઇ વડોદરા પહોંચ્યો હતો. જ્યાં અમિતનદર સર્કલ ખાતે વોચમાં રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ગાડી રોકી ભેજાબાજ જય ગઢવીની અટકાયત કરી કારમાંથી 3 ઓક્સિજન સિલિન્ડર કબજે કર્યાં હતા.