ગુજરાતના આ શહેરથી શરૂ થઈ ઓક્સિજન એક્સપ્રેસ, લોકોને ઘરે બેઠા મળશે ઓક્સિજનની સુવિધા
28, મે 2021

સુરત-

થોડા દિવસ પહેલા જ અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજ દ્વારા યુનાઇટેડ વી બ્રિથના સહયોગથી સુરત અને બારડોલીને ઓક્સિજન સુવિધાની મદદ કરવા માટે 200 જેટલા ઓક્સિજન મશીનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. જેમાંથી 100 ઓક્સિજન મશીન સુરતની સ્મીમેર હોસ્પિટલને જ્યારે બાકીના 100 ઓક્સિજન મશીન બારડોલીને ફાળવવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાએ ઓક્સિજન એક્સપ્રેસની સુવિધા ઉભી કરી છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં જે 100 ઓક્સિજન મશીન ફાળવવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને સુરત મહાનગરપાલિકાએ ઓક્સિજન એક્સપ્રેસની સુવિધા ઉભી કરી છે. જેથી ઘરે રહેલા કોરોનાના દર્દીઓને જો ઓકિસજનની જરૂર પડે તો આ ઓક્સિજન એક્સપ્રેસ દર્દીને ઘર સુધી તેની સેવા પૂરી પાડશે.

સુરત મનપા દ્વારા હેલ્પલાઇન નંબર 18001238000 અને ઇમેઇલ એડ્રેસ smc. oxygenexpress@gmail.com જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરીને સુરતીઓ આ સુવિધાઓ મેળવી શકશે. ઘરે બેઠા કોરોના સંક્રમિત દર્દીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મેયર હેમાલી બોઘાવાળા અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ ઓક્સિજન એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી હતી. પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા આ ઓક્સિજન એક્સપ્રેસ તૈયાર કરવામાં આવી છે. નોંધનીય છે કે હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવામાં કોરોનાના દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે તેવામાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો આ ઓક્સિજન એક્સપ્રેસ મદદરૂપ સાબિત થઈ શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution