કોવિડ કટોકટીને લઈને દર્દીઓના જીવનરક્ષા માટે ઓકિસજનની વધેલી માગને અનુલક્ષીને જીએમઇઆરએસ હોસ્પિટલના પ્રાંગણમાં યુદ્ધના ધોરણે ૧૩ હજાર લિટર સંગ્રહક્ષમતા ધરાવતી લિક્વિડ ઓકિસજન સંગ્રહ માટેની ટાંકી ખડી કરવામાં આવી છે. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રાત દિવસ કામ કરીને આ ટાંકીના વિક્રમ સમયમાં નિર્માણની પીઆઇયુની કામગીરીને બિરદાવી હતી. હાલમાં કોવિડ નિયમનમાં સલાહકાર તરીકે કાર્યરત ડો. મીનુ પટેલે જણાવ્યું કે સયાજી હોસ્પિટલમાં પ્રત્યેક ૨૦ હજાર લિટરની સંગ્રહ ક્ષમતાવાળી બે ટાંકીઓમાં કુલ ૪૦ હજાર લિટર પ્રવાહી ઓકિસજનની સંગ્રહ ક્ષમતા છે. આજે સયાજી હોસ્પિટલમાં બીજી ટાંકીનો ઉપયોગ શરૂ કરાયો છે. ગોત્રી હોસ્પિટલમાં કોવિડ સારવાર સુવિધાને વ્યાપક બનાવવાના ભાગરૂપે ૧૩ હજાર લિટર સંગ્રહક્ષમતા ધરાવતી લિક્વિડ ઓકિસજન ટેન્ક ઊભી કરવામાં આવી છે. આ ટેન્ક કાર્યરત થતાં શહેરની બે પ્રમુખ સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુના સંગ્રહની ક્ષમતા વધીને ૫૩૦૦૦ લિટર થશે. કોરોનાની સારવારમાં પ્રાણવાયુ આપવાનું ખૂબ મહત્ત્વ છે. સામાન્ય દિવસોમાં ગોત્રીની હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ઓકિસજનનો વપરાશ ૧થી ૨ ટન દૈનિક હતો, જે કોરોના મહામારીમાં અસાધારણ વધીને દૈનિક ૧૫થી ૧૮ ટન થયો છે. સયાજી હોસ્પિટલમાં પણ દૈનિક વપરાશ ૧થી ૧.૫ ટનથી વધીને ૧૧ ટન જેટલો થયો છે. તે સંજોગોમાં આ ઓકિસજન સંગ્રહક્ષમતા ખૂબ નિર્ણાયક અને ઉપયોગી, જીવનરક્ષક બની રહેશે. સયાજી હોસ્પિટલની જ વાત કરીએ તો ૪૦ હજાર લિટર પ્રવાહી ઓક્સિજન સંગ્રહક્ષમતાના કારણે આગામી ૫૦ વર્ષ સુધી તેમાં વધારો કરવાની જરૂર નહી પડે.