પીઓકે-

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લોકોની સ્થિતિ પશુઓ કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. જીનિવામાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્‌સ કાઉન્સિલની બેઠક દરમિયાન આ દર્દ  POKના એક્ટિવિસ્ટ પ્રોફેસર સજ્જાદ રાજાએ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું. રાજાએ સીધી રીતે જ પાકિસ્તાનની સરકાર અને સૈન્ય પર હુમલો કર્યો, કહ્યું- પાકિસ્તાન અમારી સાથે જાનવરો જેવું વર્તન કરવાનું તાત્કાલિક બંધ કરે.

સજ્જાદના ભાષણ દરમિયાન POKમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભાષણ દરમિયાન રાજા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં હતાં. રાજાએ કહ્યુ, અમે આ સંગઠનને અપીલ કરીએ છીએ કે તે પાકિસ્તાનને અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરતાં અટકાવે. પાકિસ્તાનના POKએ ઈલેક્શન એક્ટ 2020 લાગુ કરીને અમારા તમામ બંધારણીય અધિકારોને છીનવી લીધા છે. POKમાં રહેનારા લોકોની પાસે હવે રાજકીય અને નાગરિક અધિકાર પણ બચ્યા નથી. રાજા નેશનલ ઈક્વિલિટી પાર્ટીના ચેરમેન પણ છે.

રાજાએ તેમના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે અમે અમારી જમીન પર રહીએ છીએ. અમારું ઘર અને પરિવાર છે. જાેકે પોતાના જ ઘરમાં અમારી સાથે ઘૂસણખોર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની આર્મીએ રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિરોધ કરવા પર લોકોની કતલ કરવામાં આવે છે. હજારો લોકોને ગાયબ કરી નાખવામાં આવ્યા છે.