20, જુન 2020
દિલ્હી તા.૧૯
રાજ્યસભાના સભ્ય તરીકે ૨૦૦૮થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણી આજે અમરાવતીમાં આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ નથવાણીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ ૯૦ ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે. અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.” “આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા ૧૨ વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ.” સતત બે ટર્મ (૧૨ વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા શ્રી પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી.