ભાવનગર, પાલિતાણાથી ભાવનગર અપડાઉન કરતા પ્રવાસીઓને માટે સાનુકૂળ સમયે ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી છે. પાલીતાણા ટર્મિનલ ખાતે આજે મુસાફરોએ પોસ્ટર દ્વારા વહેલી તકે ભાવનગર-પાલીતાણાની ટ્રેનોની બધી ટ્રિપ જલ્દી શરૂ થાય તેવી માંગ કરી હતી. જેમાં ભાવનગર-પાલીતાણા દરરોજ એક જ ટ્રેન આવે અને જાય છે. જેને કારણે મુસાફરોને તકલીફો ઉઠાવી પડી રહી છે, જેમાં જાે સવારે પાલીતાણાથી જે એક ટ્રેન આવે તે સાંજે પાછી જતી નથી જેને કારણે જે મુસાફરો પાલીતાણાથી સવારે ભાવનગર આવ્યા હોય તેને સાંજે ઘરે જવામાં તકલીફો પડી રહી છે. તેવી જ રીતે જે લોકો પાલીતાણા નોકરી, ધંધા અર્થે ગયા હોય તેવા મુસાફરોને સાંજે ભાવનગર આવવામાં તકલીફો પડી રહી છે. આજરોજ પાલીતાણા ટર્મિનલ ખાતે મુસાફરોએ પોસ્ટરો દ્વારા પોતાની વેદના રજૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ પાલીતાણા-ભાવનગર અગાઉ ચાર ટ્રેનની સામે અત્યારે માત્ર એક જ ટ્રેન સેવા ઉપલબ્ધ છે. ત્યારે આ મુસાફરોને તકલીફો પડી રહી છે. કોરોનાકાળ બાદ પરિવહન માટે માત્ર એક જ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને ખૂબ હાલાકી પડી રહી છે. પાલીતાણા યાત્રાધામ હોય વર્ષે લાખો કરતાં વધુ લોકો પાલિતાણાની મુલાકાતે આવે છે, જે તમામ યાત્રીઓને પણ આવવા-જવામાં તકલીફો પડે છે. પાલીતાણાના અપડાઉન કરતા તમામ મુસાફરોએ હાથમાં પોસ્ટર સાથે રેગ્યુલર સેવા શરૂ કરવા માંગ ઉચ્ચારી હતી. ભાવનગર-પાલીતાણાની એક જ ટ્રેન છે, જેના કારણે અગવડતા થાય છે. પાલીતાણામાં કોલેજ ન હોવાથી વિધાર્થીઓ ભાવનગર અપડાઉન કરતા હોય છે. જે વિધાર્થીઓને પણ અગવડતા પડે છે. આ બાબતે ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. મુખ્ય ઓફિસમાં જાણ કરી દીધી છે અને ધીમે ધીમે રેલવે તંત્ર દ્વારા જે ટ્રેનોની ટ્રીપ બાકી છે તે પણ ચાલુ કરી રહ્યા છીએ.