ગાંધીનગર-

સીએમ રૂપાણીએ ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ જાહેર કર્યું હતું કે, સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસલેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. પહેલાંના સમયમાં જનતાની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને કયાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા અભિગમથી અનેક સુધારાઓ કર્યા છે. 

રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લિવિગ વધારી રહી છે. હવે આ નવી ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. આ ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ સીએમ રૂપાણીએ વ્યકત કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરીઓમાં પણ આ સરકાર દર વર્ષે 100 ટી.પી મંજૂરીની સદી ફટકારવા સાથે આગળ વધી છે. ગત 3 વર્ષથી દર વર્ષે ટી.પી મંજૂરીની સદી કરીએ છીંએ. આ વર્ષે પણ કોરોના સંક્રમણ છતાં ડિસેમ્બર સુધીમાં શતક પાર કરવાની નેમ તેમણે દર્શાવી હતી.