વડોદરા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા ભાવપુરા બુજેઠા ગામની દૂધ મંડળીમાં દૂધ ભરતાં ઉત્પાદકોને બે મહિનાથી દૂધ ડેરી દ્વારા દૂધનાં નાણાં ચૂકવાયાં નથી, જેથી રોષે ભરાયેલા પશુપાલકો, ગ્રામજનો આજે દૂધ ભરેલા કેન લઈને મકરપુરા બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને ગેટની બહાર દૂધ ઢોળી દઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે નાણાંની ચૂકવણી નહીં કરાય તો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. ડેરીના ગેટની બહાર કેનો ભરી દૂધ ઠાલવતાં માર્ગો ઉપર દૂધની રેલમછેલ થઈ ગઈ હતી.

તિલકવાડા તાલુકાના ભાવપુરા બુજેટા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોને છેલ્લા ૬૦ દિવસથી દૂધનું પેમેન્ટ ન ચૂકવાતાં સભ્યોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો હતો. આજે એકાએક દૂધ ઉત્પાદક મંડળી બંધ કરી દેવાતાં દૂધ ઉત્પાદકો દૂધ ભરેલા કેન લઈને અનુબરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બરોડા ડેરીના ગેટની બહાર દૂધ રસ્તા પર ઢોળીને ડેરીના વહીવટકર્તાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો, તે સાથે દૂધ ઉત્પાદક સભ્યોએ છેલ્લા ૬૦ દિવસથી ભરવામાં આવી રહેલા દૂધના નાણાં ચૂકવવા માટે ઉગ્ર માગણી કરી હતી અને ડેરીના વહીવટકર્તાઓ સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં હતા.

દૂધ ઉત્પાદક સભ્યોએ જણાવ્યું હતું કે, અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવી છે અને અમારા ગામનું દૂધ અમારા ગામથી ૫ કિ.મી. દૂર આવેલા બીજા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે, તે સામે અમારો વિરોધ છે, પરંતુ અમારી મંડળી ચાલુ રાખવામાં આવે અને છેલ્લા ૬૦ દિવસ સુધી બરોડા ડેરી દ્વારા લેવામાં આવેલા દૂધના પૂરેપૂરા નાણાં ચૂકવવામાં આવે. અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો બરોડા ડેરીના ગેટ પાસે આમરણાંત ઉપવાસ પર બેસી જઈશું જેની જવાબદારી બરોડા ડેરીના વહીવટકર્તાઓની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બરોડા ડેરીની ગેટની બહાર ભાવપુરા બુજેટા ગામના પશુપાલકોએ દૂધ ઢોળી દેતાં ડેરીના ગેટ પાસે દૂધની રેલમછેલ થઈ હતી. લોકો પણ ગામલોકોનો વિરોધ જાેઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ભાવપુરા બુજેઠા ગામના લોકોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળના સમય દરમિયાન અને ગામના પશુપાલકો માટે એકમાત્ર આજિવિકાનું સાધન દૂધ છે, ત્યારે બરોડા ડેરી દ્વારા કોઈપણ જાતની જાણ કર્યાં વગર અમારા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવતાં દૂધ ઉત્પાદકોને આજે ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે અને છેલ્લા ૬૦ દિવસથી અમને અમારા નાણાં ન મળતાં દૂધ વેચીને ગુજરાન ચલાવતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે.

ગામની મંડળીના સભ્યો ગેરલાયક ઠર્યા છે

વડોદરા. નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ભાવપુરા બુજેઠા દૂધ મંડળીના ૧૧માંથી ૮ સભ્યોને ગેરલાયક ઠેરવતાં મંડળીનો વહીવટ ચલાવી શકાય એમ નહીં હોવાથી વહીવટ બરોડા ડેરીને સોંપવાનો હુકમ કરાયો છે. બરોડા ડેરીની સત્તાવારયાદીમાં સ્પષ્ટતા કરાઈ છે કે ડેરી દ્વારા મંડળીાન બેન્ક ખાતામાં દૂધના નાણાં જમા કરાવી દેવાયાં છે. વહીવટદાર નીમાયા બાદ દૂધ ઉત્પાદકોને નાણાં ચૂકવાશે એમ જણાવ્યું છે.