ગાંધીનગર:

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ પાટીદારો, મરાઠા અને જાટને ઓબીસીમાં સમાવવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં રાજયમાં દલિતો ઉપર થતાં અત્યાચારો અંગે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હિન્દુ અંગેના નિવેદનને સમર્થન આપ્યું હતું. જ્યારે ખાનગીકરણના મુદ્દે તેમણે કોંગ્રેસ દ્વારા ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો કરતાં વધુ થયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે સાત વર્ષ પૂરા કર્યા છે ત્યારે સરકારની અનેક યોજનાઓનો લાભ નાના લોકો સુધી પહોંચ્યો છે તેવી વાત કરી હતી. આ અવસરે પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવા અંગેના સવાલનો જવાબ આપતા કેન્દ્રિય રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, પાટીદારો, મરાઠાઓ અને જાટને ઓબીસીમાં સમાવેશ કરવાના બદલે તેમના માટે સરકાર દ્વારા અલગ વ્યવસ્થા કરવી જોઈએ.

દલિતો ઉપર થતાં અત્યાચારો અંગે કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે, દલિતો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. રાજયમાં થતાં દલિતો ઉપરના અત્યાચાર અંગે મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું હતું. ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તાજેતરમાં કરાયેલા હિન્દુઓના મુદ્દે કરાયેલા નિવેદન અંગે પૂછતા કેન્દ્રિય રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ સમર્થન આપ્યું હતું. જ્યારે દેશમાં થઈ રહેલા ખાનગીકરણ અંગે વાત કરતા કેન્દ્રિય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ખાનગીકરણની સૌ પ્રથમ શરૂઆત કોંગ્રેસની સરકારમાં થઈ હતી. પરંતુ હવે તે ખોટો આરોપ કેન્દ્રની પ્રવર્તમાન સરકાર ઉપર લગાવી રહી છે. એટલું જ નહિ આગામી વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 400 થી વધુ બેઠકો સાથે એનડીએ સરકારની ફરી સત્તા ઉપર આવશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો