વડોદરા, તા.૨૫

કડક અને શિસ્તના આગ્રહી ગણાતા નવનિયુક્ત પોલીસ કમિશનરનની કડક દારૂબંધીની જાહેરાતો છતાં શહેરમાં ગમે તે રીતે વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં કેટલાક તત્ત્વો સફળ રહ્યા છે. આગામી હોળી-ધુળેટીના તહેવારને લઈને પોલીસતંત્રે હાથ ધરેલા કડક ચેકિંગ દરમિયાન રોજેરોજ બેથી ત્રણ સ્થળો ઉપરથી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે પીસીબીની ટીમે પણ ઠેકરનાથ સ્મશાન પાસેથી દારૂનો જથ્થો લઈને જતી રિક્ષાને ઝડપી પાડી છે.

પીસબીની ટીમને બાતમી મળી હતી કે રિક્ષામાં દારૂની હેરાફેરી થઈ રહી છે જેના આધારે ટીમે વોચ ગોઠવતાં કિશનવાડી રોડથી ઠેકરનાથ સ્મશાન તરફ જતી એક ઓટોરિક્ષાને અટકાવી હતી અને તેની તલાશી લેતાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૯૬ બોટલો મળી

આવી હતી.

પોલીસે રિક્ષાચાલક પ્રકાશ થાવરદાસ નેભવાણી (રહે. ૧૮, હરિકૃપા સોસાયટી, કિશનવાડી)ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, એ દરમિયાન એને આ વિદેશી દારૂનો જથ્થો બાબુ સિંધી (રહે. વારસિયા)એ આપ્યો હોવાની કબૂલાત કરતાં એને ફરાર જાહેર કરાયો હતો. પોલીસ આ મામલે ૯૬ વિદેશી દારૂની બોટલો કિંમત રૂા.૩૮ હાજર, અંગઝડતીના રૂપિયા, મોબાઈલ ફોન, ઓટોરિક્ષા મળી કુલ રૂા.૧,૨૬,૧૭૫નો મુદ્‌ામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે સિટી પોલીસ મથકને કાગળો સુપરત કરવામાં આવ્યા છે.