આણંદ, તા.૩ 

ચાલુ વર્ષે મગફળીનો ભાવ રૂ.૯૭૦થી રૂ.૧૦૭૫ પ્રતિ મણ રહેવાની સંભાવના છે. સેન્ટર ઓફ સેન્ટર ઓફ એગ્રિ. માર્કેટિંગ ઇન્ટેલિજન્સ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે હાથ ધરાયેલ સંશોધન અને રાજકોટ માર્કેટ યાર્ડનાં મગફળીના ગત વર્ષોના માસિક ભાવોનું વિશ્લેષણ બાદ આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

મગફળી એ ભારતમાં તેલીબિયાંનો એક મહત્વપૂર્ણ પાક છે, જે વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ પ્રથમ અને ઉત્પાદનની દૃષ્ટિએ બીજા સ્થાને છે. ભારતમાં મગફળીનું ઉત્પાદન ઓક્ટોબર-નવેમ્બર થાય છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ચીન ૧૭૦.૦૯ લાખ ટન મગફળીના ઉત્પાદન સાથે પ્રથમ, ત્યારબાદ ભારત (૯૧.૭૯ લાખ ટન), અમેરિકા (૩૨.૮૧ લાખ ટન), નાઇજિરીયા (૨૪.૨૦ લાખ ટન) અને સુદાન (૧૬.૪૧ લાખ ટન) સ્થાન ધરાવે છે. ભારતમાં વર્ષ ૨૦૧૯-૨૦ મગફળીનો વાવેતર વિસ્તાર ૫૩ લાખ હેક્ટર નોંધાયેલ અને ઉત્પાદન અંદાજે ૯૩.૪૭ લાખ ટન થયેલ છે જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૭.૨૩ લાખ ટન હતું. નિકાસ ૨૦૧૭-૧૮માં ૫.૦૪ લાખ ટનથી ઘટીને ૨૦૧૮-૧૯માં ૪.૮૯ લાખ ટન થઈ છે અને આયાત પણ ૨૦૧૭-૨૦૧૮માં ૧.૭૨ હજાર ટનથી ઘટીને ૨૦૧૮-૨૦૧૯માં ૧.૦૭ હજાર ટન થઈ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં નાફેડે કુલ ૫ લાખ ટન મગફળીની ખરીદી કરી છે. જેમાં ગુજરાતમાંથી ૩.૭૨ લાખ ટન, રાજસ્થાન માંથી ૧.૪૪ લાખ ટન અને આંધ્રપ્રદેશમાંથી ૧૬,૬૦૦ ટન ટેકાના ભાવે (રૂ.૫૦૯૦ પ્રતિ ક્વિન્ટલ) ખરીદી કરી છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન મગફળીનો વાવેતર વિસ્તાર આશરે ૧૬.૬૩ લાખ હેક્ટર નોંધાયેલ (ત્રીજો આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર , ગુજરાત) જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫.૯૪ લાખ હેક્ટર રહેલ (સુધારેલ અંતિમ આગોતરો અંદાજ, કૃષિ કલ્યાણ વિભાગ, ગાંધીનગર, ગુજરાત) તેમજ ઉત્પાદન અંદાજે ૪૫.૮૭ લાખ ટન નોંધાયેલ, જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨.૦૩ લાખ ટન હતું. ભારત વિશ્વમાં પામતેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. જાન્યુઆરી, ૨૦૨૦ માં ભારત સરકારે રિફાઈન્ડ પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ લાદયો હતો. રિફાઈન્ડ પામ ઓઇલને મુક્ત વેપારની સ્થિતિથી “પ્રતિબંધિત સ્થિતિ” પર ખસેડવામાં આવ્યો છે જે સૂચવે છે કે, ભારતીય આયાતકારો ને રિફાઇન્ડ પામ ઓઇલની આયાત કરવા માટે ફરજિયાત લાઇસન્સની જરૂર રહેશે. આ પ્રતિબંધોની ભારતમાં મગફળીની માગ પર સકારાત્મક અસર પડશે.

ગુજરાતમાં મગફળીનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭માં રૂ.૭૫૦ પ્રતિ મણથી વધીને ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૮માં રૂ.૮૫૫ પ્રતિ મણ થયેલ અને ત્યારબાદ ફરીથી વધીને ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૯માં રૂ.૯૭૧ પ્રતિ મણ થયો હતો. હાલ જુલાઈ-૨૦૨૦ દરમ્યાન મગફળીનો ભાવ ગુજરાતનાં બજારોમાં રૂ.૧૧૧૮ પ્રતિ મણ છે. ઉપરોક્ત ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને સ્થાનિક બજારોની વિગતોને ધ્યાનમાં લઈને સેન્ટર ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે સંશોધન હાથ ધરવામાં આવેલ જેમાં રાજકોટ માર્કેટ યાર્ડનાં મગફળીના ગત વર્ષોના માસિક ભાવોનુ વિશ્લેષણ કરાયું હતું, જેનાં તારણ પરથી અનુમાન છે કે મગફળીનો ભાવ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં રૂ.૯૭૦ થી રૂ.૧૦૭૫ પ્રતિ મણ (રૂ.૪૮૫૦ થી રૂ. ૫૩૭૫ પ્રતિ ક્વિન્ટલ) રહેવાની સંભાવના છે.