૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો શુભારંભ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કરાવશે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્‍મા ગાંધીબાપુની ૧૯૩૦માં નીકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્‍લામાંથી પસાર થશે. ખેડા જિલ્‍લામાં જુદાં જુદાં ત્રણ ગામોમાં પદયાત્રીઓ રાત્રી રોકાણ કરશે. અમદાવાદ સાબરમતીથી નીકળ્યાં બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતરમાં રાત્રી રોકાણ કરશે. તેમજ જિલ્લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પણ આ દાંડીયાત્રા રાત્રી રોકાણ કરશે. ૧૨મી માર્ચથી ગુજરાત રાજ્યના આઝાદી સાથે જાેડાયેલાં ૭૫ સ્થળોએ ૭૫ જેટલાં કાર્યક્રમનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્‍યું છે. ખેડા જિલ્લામાં પ્રવેશનારી આ યાત્રાના માર્ગની રૂપરેખા જાેઈએ તો ૧૩ માર્ચે ખેડા જિલ્લામાં પ્રવેશ થશે. રાત્રી રોકાણ નવાગામ ખાતે કરવામાં આવશે. તા.૧૪ માર્ચે આ યાત્રા નવાગામ ખાતે આવશે ત્યાર પછી વાસણા ગામે અને ત્યાંથી માતર ખાતે આવશે, જ્યાં રાત્રી રોકાણ કરાશે.૧૫ માર્ચના દિવસે માતર ખાતેથી નીકળી ડભાણ ખાતે આવશે, જ્યાં દિવસનો આરામ કરી રાત્રી રોકાણ નડિયાદ ખાતે કરવામાં આવશે.