દાહોદ

પાર્કિંગની પૂરતી સુવિધાના અભાવે દાહોદ શહેરમાં લોકોને ટ્રાફિક સમસ્યા વર્ષોથી પરેશાન કરી રહી છે. તેવા સમયે ઢોરો પુરાવાના ડબ્બાના અભાવે દાહોદમાં રખડતા ઢોરોનો ત્રાસ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. આ રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા પોલીસ તથા પાલિકા એમ બંને તંત્રના અખબારી માધ્યમો દ્વારા ભૂતકાળમાં અનેક વખત કાના મળવામાં આવ્યા છે તેમ છતાં આ સમસ્યાને દૂર કરવાના બદલે આ મામલે બંને તંત્રો એક બીજાને માથે જવાબદારીની ગોદડી ઓઢાડતા જાેવા મળ્યા હતા. જેના કારણે શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત રહેવા પામ્યો છે.

સ્થાનિક તંત્રના વાંકે દાહોદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વર્ષોથી દાહોદ વાસીઓને લમણે લાગી છે. ગાયો ટ્રાફિક સમસ્યા વધારી રહી છે અને સાથે સાથે અકસ્માતનો ભય પણ વધારી રહી છેે. કેટલીક વખત તો ધોળે દા’ડે રસ્તા વચ્ચે ગાયોનું દંગલ શરૂ થઇ જતા નાસ ભાગના દ્રશ્યો પણ સર્જાતા રહ્યા છે. ભૂતકાળમાં રસ્તા વચ્ચે બેઠેલા ગાયે રાહદારીને શિંગડું મારી ઇજાગ્રસ્ત કરવાના કિસ્સાઓ બન્યાનું જાણવા મળ્યું છે. વર્ષો પહેલા આ સમસ્યાને નાથવા પાલિકા દ્વારા ઢોરો પુરવાનો ડબ્બો બનાવવામાં આવ્યો હતો અને તેમાં જે ઢોર પૂરવામાં આવે તેને છોડાવવા તેના માલિકએ દંડની રકમ ભરવી પડતી હતી. જે દંડની રકમ થી ડબ્બામાં પૂરાયેલા ઢોરોનું નીરણ પૂરું પાડવામાં આવતું હતું. ઢોરો પૂરવાનો આ ડબ્બો સમય જતા પાલિકાના સત્તાધીશો દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો અને તે જગ્યાએ શોપિંગ સેન્ટર ઉભું કરી આવકનો સ્ત્રોત ઉભો કર્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાકમાર્કેટમાં કોઈ કારણસર શાકભાજીની દુકાનો ના મંડાતા પાલિકા દ્વારા તે જગ્યાનો રખડતા ઢોરોને પુરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કેટલી ગાયો પકડાઈ અને કેટલી દંડ લઈને છોડવામાં આવી તે માટેનું રજીસ્ટર પણ મેન્ટેન કરવામાં આવતું હતું તેમાં કોઈ વિવાદ ઊભો થતા પાલિકા દ્વારા ગાયો પૂરવાની આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી પાલિકા દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે કોઈ પગલાં લેવાનું વિચારવામાં આવ્યું નથી. તે દાહોદ વાસીઓની ખરેખર કમનસીબી કહેવાય રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ટ્રાફિક અવરોધી રહેલા ઢોરોને હટાવવાની ફરજ કોની ? પોલીસની કે પાલિકાની તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. આ મામલે જેટલો વહેલો ર્નિણય લેવામાં આવે તે દાહોદ વાસીઓનાં હિતમાં ગણાશે.