વાઘોડિયા : વેસણીયા જુથ ગ્રામ પંચાયતના ખાડે ગયેલ વહિવટને કારણે પ્રાથમિક સુવિઘ્યા વિના ગામ લોકો વંચિત રહ્યા છે. ગામમાં અકસ્માત કે પછી ઇમરજન્સી સેવા ની જરૂરિયાત ઊભી થાય ત્યારે ગામમાં વાહન આવી શકે નહીં તેવી પરિસ્થિતિ છે. ગામમાં પ્રવેશતાની સાથે જ કાદવમાં પગખૂંપી જાય તેટલું કીચડ મુખ્ય માર્ગો અને ગામની શેરીઓમાં જોવા મળે છે. ગંદા પાણી રોડ રસ્તા પર ભરાતા મચ્છરોના ઉપદ્રવને કારણે લોકોનુ આરોગ્ય પણ જોખમાય છે.  

ગ્રામ પંચાયત પાસે જર્જરિત મકાન હોવાથી કામ ચલાવવા પૂરતા પ્રાથમિક શાળા ના ખખડધજ ઓરડામાં પંચાયતના સભ્યો બેસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા પાસેનો માર્ગ તેમજ તમામ શેરીઓમાં માત્ર કીચડ જોવા મળે છે. વેસણીયા ગામના ગ્રામજનોએ આક્ષેપ સાથે કહિ રહ્યા છે કે આઝાદી બાદ પણ અમારા ગામની સ્થિતિ સુધરી નથી. પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા નથી. વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવી દેવામાં આવી છે પરંતુ ગામલોકોએ ટાંકી મારફતે પાણીનું ટીપું પણ ભર્યુ નથી. માત્ર શો઼ભાના ગાંઠિયા સમાન છે. આજે પણ ગુલામીમાં જીવતા હોય તેમ પાણી ભરવા માટે એક કિલોમીટર દુર કૂવા સુધી જવું પડે છે. નાવા ધોવા ના પાણી માટે હેડપંપ ની વ્યવસ્થા કરી દેવાઈ છે. પરંતુ પાણી ભરવા આવતી મહિલાઓને ઘુટણ સુધીના કિચડમાથી પસાર થવુ પડે છે.